સમાચાર સારાંશ: વારાણસીના સુપ્રસિદ્ધ સંપૂર્ણાનંદ સંસ્કૃત વિશ્વવિદ્યાલય ખાતે ગણેશ ચતુર્થી તથા હિન્દી દિવસના શુભ ઉપક્રમે એક ભવ્ય અને વિશેષ વ્યાખ્યાનમાળાનું આયોજન કરવામાં આવ્યું હતું.
સંપૂર્ણાનંદ સંસ્કૃત વિશ્વવિદ્યાલયમાં ‘સ્વરાજ્ય, સ્વબોધ ઓર ભારતીય ભાષાઓ કી ભૂમિકા’ વિષય પર વિશેષ વ્યાખ્યાન યોજાયું.
પૂજ્ય માધવપ્રિયદાસજી સ્વામીનું વિશેષ સન્માન કરાયું.

વારાણસીના સુપ્રસિદ્ધ સંપૂર્ણાનંદ સંસ્કૃત વિશ્વવિદ્યાલય ખાતે ગણેશ ચતુર્થી તથા હિન્દી દિવસના શુભ ઉપક્રમે એક ભવ્ય અને વિશેષ વ્યાખ્યાનમાળાનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે SGVPના અધ્યક્ષ પરમ પૂજ્ય ગુરુવર્ય શ્રી માધવપ્રિયદાસજી સ્વામીનું “સ્વરાજ્ય, સ્વબોધ ઓર ભારતીય ભાષાઓ કી ભૂમિકા” વિષય પર મુખ્ય વ્યાખ્યાન યોજાયું હતું.
દર્શન વિભાગના પ્રોફેસર તથા અધ્યક્ષ શ્રી રજનીશકુમાર શુક્લાએ આ વ્યાખ્યાનમાળાના અધ્યક્ષ તરીકે સ્થાન શોભાવ્યું હતું, જ્યારે વેદાંત વિભાગના અધ્યક્ષ પ્રોફેસર સુધાકર મિશ્ર દ્વારા કાર્યક્રમનું સંયોજન અને સમગ્ર વ્યવસ્થાઓ સંભાળવામાં આવી હતી.
આ અવસરે યુનિવર્સિટીના વિવિધ વિભાગોના વિદ્વાન પ્રોફેસરો, અધ્યાપકો, વિશાળ સંખ્યામાં વિદ્યાર્થીઓ અને ભાવિક ભક્તો સ્વામીજીના પ્રેરણાદાયી વિચારો શ્રવણ કરવા માટે ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
આ ગરિમામય પ્રસંગે સર્વેએ સાથે મળીને
પૂજ્ય સ્વામીજીને વિશ્વવિદ્યાલયના એક ગૌરવવંતા ભૂતપૂર્વ વિદ્યાર્થી તરીકે તથા વિશ્વભરમાં સંસ્કૃત અને ભારતીય સંસ્કૃતિનો પ્રચાર-પ્રસાર કરવા બદલ વિશેષ પ્રશસ્તિપત્ર અર્પણ કરી સન્માનિત કરાયા હતાં તથા વિશ્વવિદ્યાલયના સુપ્રસિદ્ધ સરસ્વતિ ભાંડાગારમાંથી પ્રાપ્ત હનુમાનજીની પ્રાચીન ચિત્રપ્રતિલિપિ પ્રદાન કરી એમનું બહુમાન કરાયું હતું .આ સમગ્ર ક્ષણને સભાગૃહમાં ઉપસ્થિત સર્વેએ કરતલધ્વનિ સાથે વધાવી લીધી હતી.
આ પ્રસંગે પૂજ્ય સ્વામીજીનું વ્યાખ્યાન ભારે હ્રદય સ્પર્શી રહ્યું હતું. એમણે પોતાના વિદ્યાર્થી કાળના સંસ્મરણો વાગોળ્યા હતા સાથે સાથે
જણાવ્યું હતું કે સંસ્કૃત ભાષા આપણી સમસ્ત ભાષાઓની જનની છે. જનની ના દુધથીજ બાળકનું પોષણ થાય છે.સંસ્કૃત ભાષામાં નિબધ્ધ વાલ્મીકિ રામાયણ ,મહાભારત ગીતાજી અને ઉપનિષદ જેવા પ્રસિદ્ધ ગ્રંથો માં આપણા સ્વરાજ્યની અને સ્વબોધની ગહન મર્મ સમાયેલ છે. એજ વારસો આપણી લોક ભાષામાં ઉતર્યો છે .ભાષા લુપ્ત થાય તો સંસ્કૃતિ પણ લુપ્ત થઇ જાય છે એટલે જ વિદેશી પરિબળોએ આપણી ભાષાઓ ઉપર પ્રહાર કર્યા.
સ્વામીજી એ ભારપૂર્વક કહ્યું કે આજે વેદ અને વિજ્ઞાન બંને નો એક સાથે અભ્યાસ આવશ્યક છે જેથી આપણે આપણી સંસ્કૃતિ આપણી પરંપરાઓ ને સમજી શકીએ અને સુરક્ષિત રાખી શકીએ
આ પ્રસંગે પૂજ્ય સ્વામીજી દ્વારા લખાયેલ ગ્રંથ 'શ્રીસ્વામિનારાયણ દર્શન સાર સંગ્રહ'ની નવી આવૃત્તિનું વિમોચન થયું હતું. આ ગ્રંથમાં સ્વામિનારાયણ સંપ્રદાયનું હાર્દ તથા તત્વજ્ઞાનનુ વિસ્તારથી વર્ણન કરવામાં આવ્યું છે.
કાર્યક્રમના અધ્યક્ષીય ઉદ્બોધનમાં પ્રોફેસર રજનીશકુમાર શુક્લાએ જણાવ્યું હતું કે ભગવાન સ્વામિનારાયણે ભારતભૂમિ પર પ્રગટ થઈને લોકકલ્યાણ અને નાનામાં નાના જીવોના ઉદ્ધાર માટે અદ્ભુત કાર્યો કર્યા છે. આજે
ભગવાન સ્વામિનારાયણ ની એ જ મૂળ પવિત્ર પરંપરાને આગળ ધપાવતાં પૂજ્ય માધવપ્રિયદાસજી સ્વામી ખૂબ મોટી સંખ્યામાં સેવાકાર્યો કરી રહ્યા છે અને આવા મહાન સંતનું સાનિધ્ય પ્રાપ્ત થવું એ આપણા સૌ માટે ધન્યતાની ક્ષણ છે.
આ સમારોહમાં વરિષ્ઠ વિદ્વાન કમલાકાંત ત્રિપાઠી ઉપરાંત પ્રોફેસર શૈલેષ કુમાર મિશ્રા, પ્રોફેસર શંભકનાથ શુક્લા, પ્રોફેસર અમિત કુમાર શુક્લા, પ્રોફેસર જિતેન્દ્ર શાહી, પ્રોફેસર રાજનાથ, ડો. યોગેશ પાઠક, ડો. વિશ્વેશ્વર દેવ પ્રસાદ મિશ્રા, ડો. સંજય ત્રિપાઠી, ડો. વિપિન કુમાર સિંહ, ડો. અભિષેક કુમાર ઉપાધ્યાય, ડો. સુનીલ ચૌધરી અને ડો. નીરજ મણિ મિશ્રા જેવા અનેક ગણમાન્ય પંડિતો તથા સોથી પણ વધુ લોકો ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
તમને આ પણ ગમશે:


તમને આ પણ ગમશે:



