સમાચાર સારાંશ: જેલમાંથી બહાર નીકળ્યા બાદ મનિષ વઘાસીયાએ જણાવ્યું હતું કે, લેટર અને તેમાં કરેલી સહીઓ ઓરીજનલ જ છે
અમરેલી લેટર કાંડઃ આરોપીઓને જામીન મળતાં થયા જેલ મુક્ત,એક મહિનાથી જેલમાં રહેલા ત્રણેય આરોપીઓનું જેલ બહાર ફૂલહારથી સ્વાગત કરવામાં આવ્યું
નિર્લિપ્ત રાય રિપોર્ટ સોંપશે
અમરેલીઃ ગુજરાત સહિત સમગ્ર દેશમાં અમરેલી લેટર કાંડનો (amreli letter kand updates) મુદ્દો ગુંજ્યો હતો. પોલીસે યુવા ભાજપ પૂર્વ પ્રમુખ મનીષ વઘાસીયા, જસવંતગઢ ગામના સરપંચ અશોક માંગરોળીયા, પાયલ ગોટી, જીતુ ખાત્રા મળી કુલ ચાર આરોપીઓને ઝડપી લીધા હતા. જે બાદ પાયલ ગોટીનું સરઘસ કાઢવામાં આવતો મામલાના સમગ્ર દેશમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા.
બહુચર્ચિત લેટરકાંડ મામલે જેલમાં રહેલા બાકીના ત્રણેય આરોપીઓનો જામીન પર છુટકારો થયો હતો. એક મહિનાથી જેલમાં રહેલા ત્રણેય આરોપીઓનું જેલ બહાર ફૂલહારથી સ્વાગત કરવામાં આવ્યું હતું. જેલમાંથી બહાર નીકળ્યા બાદ મનિષ વઘાસીયાએ જણાવ્યું હતું કે, લેટર અને તેમાં કરેલી સહીઓ ઓરીજનલ જ છે.
નિર્લિપ્ત રાય ડીજીને રિપોર્ટ સોંપશે
પાયલ ગોટીની ધરપકડ મુદ્દે પોલીસની શંકાસ્પદ ભૂમિકા માટે સ્ટેટ મોનિટરિંગ સેલના ડીઆઈજી અને અમરેલીના પૂર્વ એસપી નિર્લિપ્ત રાયને તપાસ સોંપવામાં આવી હતી. નિર્લિપ્ત રાયે કેસની ઝીણવટભરી તપાસ કરી હતી. જેમાં પોલીસના ઉચ્ચ અધિકારીઓની ભૂમિકા શંકાસ્પદ હોવાની સંભાવના છે. તેને લઈ કેટલાક પોલીસ અધિકારીઓ પણ રડારમાં છે. તપાસમાં યુવતીને અડધી રાતે ઉઠાવી લેવી એ મોટી બેદકારી હોવાનું સામે આવ્યું હતું. નિર્લિપ્ત રાયે તપાસ પૂર્ણ કરી લીધી છે અને રિપોર્ટ પણ તૈયાર કરી લીધો છે. ટૂંક સમયમાં તેઓ ડીજીને રિપોર્ટ સોંપશે.
સૂત્રોના જણાવ્યા મુજબ, ઉચ્ચ અધિકારીઓની સૂચના વગર કોઈનું અડધી રાત્રે સરઘસ કાઢવું શક્ય નથી. નિર્લિપ્ત રાયના રિપોર્ટ બાદ અમરેલી જિલ્લાના પોલીસબેડામાં પણ ફેરફાર થઈ શકે છે. અમરેલી લેટર કાંડ બાદ સરકાર ભીંસમાં મુકાઈ હતી. ગૃહમંત્રી હર્ષ સંઘવી રાતોરાત દોડી આવ્યા હતા. ઉપરાંત સ્થાનિક ભાજપ નેતાઓ, પાટીદાર નેતાઓ પણ મેદાનમાં ઉતર્યા હતા. આ કેસની તપાસ કરવામાં પોલીસની ભૂમિકા સ્પષ્ટ કરવા સરકારને કોઈ અધિકારી પર ભરોસો નહોતો એટલે નિર્લિપ્ત રાયને મેદાનમાં ઉતારવામાં આવ્યા હતા.
ઉલ્લેખનીય છે કે અમરેલી તાલુકા પંચાયતના પ્રમુખ કિશોર કાનપરિયાના બનાવટી લેટરપેડ ઉપર વિધાનસભાના નાયબ દંડક કૌશિક વેકરિયાની પ્રતિષ્ઠાને હાનિ પહોચાડવાના ગંભીર આક્ષેપો થયા હતા. બાદમાં કિશોર કાનપરિયાએ ફરિયાદ નોંધાવી હતી. જેમાં અમરેલી પોલીસે પાયલ ગોટી સહિત 4 આરોપીઓની ધરપકડ કરી હતી.
તમને આ પણ ગમશે:


તમને આ પણ ગમશે:



