સમાચાર સારાંશ: ગુજરાતની સ્થાપત્યકલાના આ ભવ્ય અને ગૌરવરૂપ સમૃદ્ધ વારસાને તેમજ અનૂઠા ઇતિહાસને ઉજાગર કરીને આવનારી પેઢી માટે સચવાઈ રહે તે અનિવાર્ય અને મહત્ત્વની બાબત છે.
કલાતીર્થના અધ્યક્ષ રમણીક ઝાપડિયા એ જણાવ્યું હતું કે ગુજરાતનો અનુપમ, અદ્ભુત વારસો અને વૈભવ ‘કલાગંગોત્રી' શ્રેણીગત ગ્રંથમાળાઓના રૂપે પ્રકાશિત કરવા ઉપરાંત અનેકવિધ રીતિ-નીતિએ બહુલક્ષી સાંસ્કૃતિક પ્રવૃત્તિ ભારતીય કલા અને સાંસ્કૃતિક સંપદાઓનું જતન અને સંવર્ધન કરતી કલાસંસ્થા 'કલાતીર્થ' દ્વારા હાથ ધરવામાં આવી છે. સતત અને અવિરત કાર્યશીલ રાખેલી કલાપ્રવૃત્તિને કારણે ગુજરાત અને ગુજરાત બહાર કલાક્ષેત્રનાં ઉજ્જવળ પરિણામો આપણી સામે પરિણામલક્ષી દેખાઈ રહ્યાં છે. લાઇબ્રેરી ઓફ કોંગ્રેસ- વોશિંગ્ટન ડી.સી. અમેરિકા ખાતે આપણા ગ્રંથો સ્થાન પામ્યા છે. કલાગંગોત્રી ગ્રંથો તૈયાર કરીને નિઃશુલ્ક ગુજરાતની સરકારી અને ખાનગી રાહે કાર્ય કરતી યુનિવર્સિટીઓ, સાહિત્ય અકાદમી અને પરિષદ દ્વારા પુરસ્કૃત થયેલાં પુસ્તકાલયો સમાજના વિભિન્ન વિભાગોમાં કામ કરતા સારસ્વતો જેમ કે, સાહિત્ય, ઈતિહાસવિદો, પુરાતત્ત્વવિદો, કલાસમીક્ષકો, કલાના તજજ્ઞો સાથે કલામહાવિદ્યાલયોમાં આપના ગ્રંથો નિયમિત રીતે પહોંચાડવામાં આવે છે અને ઉચ્ચ અભ્યાસમાં વિદ્યાર્થીઓ શોધપત્રો માટે આ ગ્રંથોનો સંદર્ભગ્રંથો તરીકે ઉપયોગ કરી રહ્યા છે. સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં આ સાહિત્ય ખૂબ જ જડીબુટ્ટી સમાન પુરવાર થઈ રહ્યું છે.
ગુજરાતની સ્થાપત્યકલાના આ ભવ્ય અને ગૌરવરૂપ સમૃદ્ધ વારસાને તેમજ અનૂઠા ઇતિહાસને ઉજાગર કરીને આવનારી પેઢી માટે સચવાઈ રહે તે અનિવાર્ય અને મહત્ત્વની બાબત છે.

અમદાવાદ શહેર ગુજરાતનું સહુથી મોટુ શહેર છે. તેની જાહોજલાલીથી ધબકતું આ નગર આજે જૈનોના રાજનગર તરીકે સુવિખ્યાત છે. અનેક ભાવક જૈનાચાર્યો, પૂ, સાધુ, સાધ્વીજી ભગવંતોના ચરણોથી પાવલ બનેલ આ શહેરનો ઈતિહાસ ભવ્ય છે. અનેક પ્રતાપી પૂર્વજોએ ગૌરવવંતી પરંપરાની ધારાને વધુ વેગવંતી બનાવી છે. આ પરંપરાના એક સપૂત હઠીસિંહ શેઠે અને તેમનાં ધર્મપત્ની હરકુંવર શેઠાણીએ ભવ્ય, વિશાળ અને મનોહર શિલ્પયુક્ત જિનાલય નિર્મિત કરાવ્યું છે. ૪૫૦ થી વધુ જિનાલયોથી શોભતા આ નગરના અલંકરણ સ્વરૂપ આ જિનાલય છે. જૈન-અજૈન યાત્રિકોએ, સાહિત્યકારો, ઈતિહાસકારો, વિદ્વાનો સાથે પુરાતત્ત્વવિદોએ આ જિનાલયની મુક્તકંઠે સ્તુતિ-પ્રશંસા કરી છે. ગુજરાતના અમર કવિશ્રી નર્મદે પણ આ જિનાલયની સ્તુતિ કરતાં કહ્યું છે કે “કામ એવું તવંગર છે કે કાળમાં શિલ્પનો ઉત્કર્ષ હતો તે કાળના જેવું છે અને તે ઉપરથી જણાય છે કે હજુ પણ ગુજરાતમાંથી બાંધવાનો ને, પથ્થર કાપવાનો હુન્નર ગયો નથી.” આ ઉપરાંત ગુજરાતના કલાગુરુ રવિશંકર રાવળે પણ આ ભવ્ય જિનાલયની મુક્તકંઠે શબ્દદેહે પ્રશિસ્ત કરી છે. આ મંદિરની ભવ્યતા, દિવ્યતા અને વિશાળતાથી અનેક સાધકોનું શ્રદ્ધાકેન્દ્ર બન્યું છે. વૈશ્વિક ધરોહરમાં સ્થાન પામેલા આ રક્ષિત જિનાલયને આશરે બસો વર્ષ થયાં છે. આ જિનાલય ફરીથી જીર્ણોદ્ધાર પામ્યું છે. આ જિનાલયનો સપ્તરંગી જીર્ણોધ્ધાર કરવાનો મારો પણ મનોરથ હતો. પ.પૂ.તેજોમૂર્તિ આચાર્ય શ્રીવિજયસૂર્યોદયસૂરીશ્વરજી મહારાજના પટધર પૂજ્ય આચાર્ય શ્રી વિજયશીલચન્દ્ર સૂરીશ્વરજી મહારાજ અને મારા પરમ આદરણીય ગુરુજીની આજ્ઞાથી આ સમગ્ર પ્રકલ્પ કરવાની કલાતીર્થ ટ્રસ્ટને સદ્ભાગી તક મળી અને એમના રૂડા આશીર્વાદ ફળ્યા. વૈશ્વિક ધરોહરમાં સ્થાન પામેલું હોવાથી કલાકારો દ્વારા કલાકૃતિ સર્જન દરમ્યાન રંગમિશ્રિત પાણીના છાંટણાથી આ પવિત્ર જિનાલયની જગ્યામાં કોઈ પણ પ્રકારનું નુકસાન ન પહોંચે તેની પૂર્ણ તકેદારી રાખવાનો અમારો આશય હતો. કલાત્મક તસવીરોના માધ્યમથી આ કાર્ય કરવું તેવું સર્વાનુમતે નક્કી કરવામાં આવ્યું. આ શુભવિચારને તસવીરકાર અનેગૌરવપુરસ્કારથી સન્માનિત મુકેશ આચાર્યએ ભારે જહેમત ઉઠાવીને કરી આપ્યું છે. ત્યારે તેમનો પણ ખૂબ ખૂબ આભારી છું. આ ગ્રંથના કલાસર્જનોનું નામકરણ કરી આપનાર સહૃદયમિત્ર અને કલાવિવેચક નિસર્ગ આહીરનો પણ ઋણી છું. આ ગ્રંથનું કાર્ય ત્રણ ભાષામાં કરવું
(ગુજરાતી-હિન્દી-અંગ્રેજી) જે કામ ખૂબ જ જવાબદારીપૂર્વક વિમલા ઠક્કરે કરી આપ્યું અને મને સંપાદનકાર્યમાં સહયોગી બનીને કાર્યને વેગવંતું બનાવ્યું... તો તેમનો આભાર ન માનું તો કેમ ચાલે? ખૂબ ખૂબ આભારી છું. ખૂબ ઓછા સમયમાં રાત-દિવસ મહેનત કરીને ૫૦ જેટલી સપ્તરંગી કલાકૃતિઓના નિર્માણકાર્યમાં સહયોગી બનેલા- અનુરાગ મહેતા, દિવ્યેશ બાગડાવાળા, જ્ઞાનેશ્વર રાજપૂત, જયદીપ મેસૂરિયા, ભરત પટેલ, બળદેવ પટેલનો ખૂબ ખૂબ આભારી છું.
જેના વગર આ કાર્ય શક્ય નહોતું, પરંતુ જિનાલયની મુલાકાતે મારે અને દેવેન્દ્રભાઈને ગુરુજીને મળવાનું થયું પિતાશ્રી લીલાધર પાસૂ શાહનો ઋણાનુબંધ કચ્છના નાતે ગુરુજી સાથે જોડાયેલો હતો. વર્ષો જૂનાં સંસ્મરણો વાગોળવા મળ્યાં, જૂની યાદો તાજી થઈ અને આ સ્મરણોથી દેવેન્દ્રભાઈ ખૂબ જ ભાવવિભોર બની ગયા. આ પ્રકલ્પના આર્થિક વ્યવસ્થાપનની સંપૂર્ણ જવાબદારી સ્વીકારી લીધી અને લીલાધર પાસૂ ફૉરવર્ડ્સ પ્રા.લિ. મુંબઈ અને લીલાધર પાસૂ પરિવાર સાથે આ પવિત્ર કાર્યમાં સહયોગી બન્યા અને ગુરુજીનો દિવ્ય મનોરથ પૂર્ણતા પામ્યો. જે આપના કરકમળમાં મહાગ્રંથ સ્વરૂપે સાક્ષાત્ છે. આ પવિત્ર અવસરે દેવેન્દ્રભાઈ શાહ અને લીલાધર પાસૂ ફૉરવર્ડ્સ પ્રા.લિ. મુંબઈ અને લીલાધર પાસૂ પરિવારને આભારની લાગણી વ્યક્ત કરીને વંદન કરું છું. આ અવસરે શેઠ હઠીસિંહ કેસરીસિંહ ટ્રસ્ટ, શેઠ હઠીભાઈની વાડી જૈન સંઘ પરિવારનો પણ ખૂબ ખૂબ આભાર.
આ પવિત્રકાર્યમાં પ્રત્યક્ષ, પરોક્ષ સહયોગ મળ્યો છે તે સર્વને સ્મરીને આ મહાગ્રંથ આપ સર્વના કરકમળમાં મૂકતાં હું આનંદ અને ગૌરવની લાગણી અનુભવું છું. આપ સર્વે સંસ્કૃતિ સમૃદ્ધ, કલારસિક, સંસ્કાર પ્રિય એવા ગરવા ગુજરાતીઓની સદ્ભાવના, શુભેચ્છાઓ, સહકારથી મને આ પવિત્ર કાર્ય કરવાનું બળ અને પ્રેરણા મળે છે. ભવિષ્યમાં પણ આપ સૌનો સહકાર મળતો રહેવાનો જ છે. તેનો મને અતૂટ વિશ્વાસ છે. વંદે માતરમ્, જય જય ગરવી ગુજરાત.
તમને આ પણ ગમશે:


તમને આ પણ ગમશે:



