સમાચાર સારાંશ: તપાસમાં ખુલાસો થયો છે કે નકલી નોટો છાપવાનું કૌભાંડ શરૂ કરતા પહેલા પ્રદીપ ગુરુજી અને મુકેશ હુમ્મર જાન્યુઆરી મહિનામાં ખાસ ચીન ગયા હતા
સુરતના યોગ આશ્રમમાં નકલી નોટનું કારખાનું, ચીન કનેક્શન ખુલતા ખળભળાટ
સુરત: શહેરના કામરેજ નજીક આવેલા સત્યમ યોગ ફાઉન્ડેશનમાં યોગ અને આધ્યાત્મિકતાના ઓઠા હેઠળ ચાલતા કાળા કારોબારનો ક્રાઈમ બ્રાન્ચે પર્દાફાશ કર્યો છે. યોગ શીખવવાના નામે આ આશ્રમમાં હકીકતમાં નકલી નોટ છાપવાનું મોટું કૌભાંડ ચાલી રહ્યું હતું. મુખ્ય આરોપી પ્રદીપ ગુરુજી અને તેના સાગરિતોની પૂછપરછમાં જે વિગતો સામે આવી છે તેણે પોલીસ અને કેન્દ્રીય તપાસ એજન્સીઓની ઊંઘ ઉડાવી દીધી છે. આ કૌભાંડ માત્ર સ્થાનિક સ્તરનું નથી, પરંતુ તેની કડીઓ છેક ચીન સુધી લંબાયેલી હોવાનું સામે આવ્યું છે.

સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર, તપાસમાં ખુલાસો થયો છે કે નકલી નોટો છાપવાનું કૌભાંડ શરૂ કરતા પહેલા પ્રદીપ ગુરુજી અને મુકેશ હુમ્મર જાન્યુઆરી મહિનામાં ખાસ ચીન ગયા હતા. ચીનના ગંગાઝાઉ અને કિંગડાઉ શહેરમાં પાંચ દિવસ રોકાઈને તેમણે ત્યાંના સ્થાનિક એજન્ટોની મદદથી કરન્સી સિક્યોરિટી પેપરના સેમ્પલ મેળવ્યા હતા. એટલું જ નહીં, આરોપીઓએ ચીનમાં જ ટ્રાયલ તરીકે ભારતની 500ની નકલી નોટ છાપી જોઈ હતી. આ નોટ અસલી જેવી જ જણાતા તેમણે સુરતમાં આખું સેટઅપ ગોઠવવાનું નક્કી કર્યું અને જરૂરી મશીનરીની ખરીદી કરી હતી.
સુરત પરત ફર્યા બાદ, આરોપીઓએ મોટા પાયે નકલી નોટો છાપવા માટે ચીનથી ખાસ કરન્સી પેપર મંગાવ્યા હતા. કસ્ટમ અને અન્ય એજન્સીઓની નજરમાં ન આવે તે માટે આ પેપરનો જથ્થો 'સ્ટેશનરી'ની આડમાં મંગાવવામાં આવ્યો હતો. પ્રદીપે એક પેપર બોક્સ માટે દોઢ લાખ રૂપિયા ખર્ચ્યા હતા અને અત્યાર સુધીમાં કુલ ત્રણ વાર ચીનથી આવા કન્સાઈનમેન્ટ મંગાવવામાં આવ્યા હતા. આ પેપરની ગુણવત્તા એટલી શુદ્ધ હતી કે સામાન્ય માણસ અસલી અને નકલી નોટ વચ્ચેનો તફાવત પારખી શકે તેમ નહોતો.
અમદાવાદ શહેર ખાતેથી બે કરોડ અને દસ લાખ રૂપિયાની તથા સુરત શહેર ખાતેથી અઠયાવીસ લાખ રૂપિયાની રૂ. 500/-ના દરની બનાવટી ભારતીય ચલણી નોટો સાથે એક મહિલા સહિત કુલ–7 આરોપીઓની ધરપકડ કરી ભારતીય અર્થતંત્રને નુકશાન થતુ અટકવવા કાર્યવાહી કરતી અમદાવાદ શહેર, ક્રાઈમ બ્રાન્ચ. #CrimeBranch pic.twitter.com/XSzBDXU1NW
— CRIME BRANCH AHMEDABAD CITY (@CrimeAhmedabad) March 19, 2026
આરોપીઓએ પૂછપરછમાં કબૂલાત કરી છે કે તેમણે પ્રથમ જથ્થામાં તૈયાર કરેલી આશરે 15 લાખ રૂપિયાની નકલી નોટો બજારમાં સફળતાપૂર્વક ફરતી કરી દીધી હતી. આ નોટો ગુજરાતના કયા શહેરોમાં અને કોના મારફતે પહોંચાડવામાં આવી છે, તેની તપાસ અત્યારે ક્રાઈમ બ્રાન્ચ કરી રહી છે. રવિવારે પોલીસની ટીમ આશ્રમ અને આરોપીઓના ઘરે સર્ચ ઓપરેશન હાથ ધરશે. આ મામલાની ગંભીરતા જોતા કેન્દ્રીય તપાસ એજન્સીઓ અને કસ્ટમ વિભાગને પણ પ્રાથમિક રિપોર્ટ સોંપવામાં આવ્યો છે, જેથી આંતરરાષ્ટ્રીય સ્તરના આ કૌભાંડના મૂળ સુધી પહોંચી શકાય.
તમને આ પણ ગમશે:


તમને આ પણ ગમશે:



