રાજ્યના મુખ્ય નિર્વાચન અધિકારીની કચેરીના જણાવ્યા પ્રમાણે લોકસભાની 26 બેઠકો માટે 433 અને વિધાનસભા માટે 37 ઉમેદવારો મેદાનમાં હતા પરંતુ ઉમેદવારી ફોર્મની ચકાસણી પછી લોકસભામાં 266 અને વિધાનસભામાં 27 ઉમેદવારો મેદાનમાં રહ્યા હતા.
ચૂંટણી પંચે 105 ઉમેદવારી પત્રો રિજેક્ટ કર્યા હતા. સોમવારે 62 ઉમેદવારી પત્રો પાછા ખેંચાયા પછી ઉમેદવારોની ફાઈનલ યાદી તૈયાર થઈ છે, જે પૈકી લોકસભાની અમદાવાદ બેઠક ઉપર સૌથી વધુ 18 ઉમેદવારો સ્પર્ધામાં છે જ્યારે સૌથી ઓછા ત્રણ ઉમેદવારો બારડોલી બેઠક પર રહ્યાં છે.

એવી જ રીતે વિજાપુર વિધાનસભાની બેઠકમાં સૌથી વધુ આઠ ઉમેદવારો અને સૌથી ઓછા બે ઉમેદવારો વાઘોડિયા બેઠક પર ચૂંટણી લડી રહ્યાં છે.ગુજરાતમાં લોકસભાની ચૂંટણીમાં આ વખતે કુલ 266 ઉમેદવારો છે. જેની સરખામણીમાં 2019ની લોકસભા ચૂંટણીમાં 371 ઉમેદવારો હતા. ગુજરાતમાંથી 1996ની લોકસભા ચૂંટણીમાં સૌથી વધુ 577 ઉમેદવાર નોંધાયા હતા.રાજ્યમાં લોકસભાની સાથે વિધાનસભાની પાંચ બેઠકની પેટાચૂંટણીમાં પણ સીધી સ્પર્ધા ભાજપ અને કોંગ્રેસ વચ્ચે જામશે
જંગ
ગુજરાતમાં લોકસભાની 26 પૈકી 23 બેઠકો પર ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો વચ્ચે સીધી સ્પર્ધા યોજાવાની છે. એકમાત્ર ભરૂચ બેઠક પર ભારત આદિવાસી સેનાના ઉમેદવાર દિલીપ છોટુ વસાવા મેદાનમાં હોવાથી ત્રિકોણિય જંગ થવાની સંભાવના દેખાઈ રહી છે. આ ચૂંટણીમાં ભાજપના 26, કોંગ્રેસના 23 અને આમ આદમી પાર્ટીના બે ઉમેદવારો મેદાનમાં છે.
ગુજરાતમાં સાતમી મેએ મતદાન થવાનું છે પરંતુ તે પહેલાં કોંગ્રેસના સત્તાવાર તેમજ ડમી ઉમેદવાર ફોર્મ રિજેક્ટ થતાં અને અન્ય ઉમેદવારોએ ફોર્મ પાછા ખેંચી લેતાં સુરત લોકસભાની બેઠક પર ભાજપના ઉમેદવાર મુકેશ દલાલ બિનહરીફ ચૂંટાઈ આવ્યા છે તેથી આ બેઠક પર મતદાન થવાનું નહીં હોવાથી રાજ્યમાં 25 બેઠકો માટે મતદાન થશે.
રાજ્યમાં લોકસભાની સાથે વિધાનસભાની પાંચ બેઠકની પેટાચૂંટણીમાં પણ સીધી સ્પર્ધા ભાજપ અને કોંગ્રેસ વચ્ચે છે. આ ચૂંટણીમાં કોંગ્રેસના પક્ષપલ્ટુ એવા અર્જુન મોઢવાડિયા પોરબંદર અને સીજે ચાવડા વિજાપુર બેઠક પરથી ચૂંટણી લડી રહ્યાં છે.
વાઘોડિયા બેઠક પર ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો ઉપરાંત ભાજપના પૂર્વ ધારાસભ્ય અને અપક્ષ ઉમેદવાર મધુ શ્રીવાસ્તવે કોંગ્રેસની તરફેણમાં ઉમેદવારી ફોર્મ પાછું ખેંચી લેતાં આ બેઠક પર પણ સીધી ટક્કર બન્ને મુખ્ય પાર્ટીઓ વચ્ચે છે.