લોકસભાની ચૂંટણી ત્રીજા તબક્કામાં પહોંચી છે ત્યારે નેતાઓના ભાષણોની સાથે સાથે મતોના વિભાજનનું ચિત્ર પણ રસપ્રદ બન્યું છે. ભાજપ અને કોંગ્રેસના નેતાઓ દ્વારા વિવિધ મુદ્દા ઉઠાવવામાં આવી રહ્યા છે. તેની સાથે સાથે જાતીગત સમીકરણો અંગે પણ સવાલો કરવામાં આવી રહ્યા છે. એકબીજાની સામે જાતીગત નુકસાન પહોંચાડવાના આરોપો પણ મુકાઈ રહ્યા છે.
આ તમામ વાતો અને સ્થિતિ વચ્ચે આંકડા ઉપર નજર કરીએ તો કોંગ્રેસને ઘણું નુકસાન ગયું છે. સવર્ણોને બાદ કરીએ તો પણ બાકીના જાતીગત મતદારો દ્વારા પણ કોંગ્રેસને આપવામાં આવતા મતમાં ઘટાડો નોંધાયો છે. છેલ્લાં દસ વર્ષના જ આંકડા ઉપર નજર કરીએ તો કોંગ્રેસને મળતા ઓબીસીના વોટમાં નવ ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. બીજી તરફ ભાજપને મળેલા ઓબીસી વોટ છેલ્લાં એક દાયકામાં બમણા થઈ ગયા છે.
તેની સાથે સાથે સવર્ણો દ્વારા કોંગ્રેસને આપવામાં આવતા મતમાં પણ 14 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. કોંગ્રેસને એસસી અને એસટી મતદારો દ્વારા જે મત મળતા હતા તેમાં પણ દસ વર્ષમાં સાત ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. બીજી તરફ ભાજપને મળતા એસસી મતોમાં ત્રણ ગણો વધારો જોવા મળ્યો છે.
કોંગ્રેસ દ્વારા ઘણા સમયથી જાતીગત વસતી ગણતરીની માગણી કરવામાં આવી રહી છે. કોંગ્રેસ દ્વારા સમયાંતરે એ બાબતે પણ ભાર મૂકવામાં આવી રહ્યો છે કે, જાતીગત અનામતનો લાભ વધારે પ્રમાણમાં ઓબીસી સમુદાયને જ મળવો જોઈએ. આ લાભ તેમના પૂરતો જ સિમિત હોવો જોઈએ.
આમ જોવા જઈએ તો એમ લાગશે કે ઓબીસી સમુદાયના મત કોંગ્રેસને વધારે મળતા હોવાથી કોંગ્રેસ આવી વાત કરે છે પણ વાસ્તવિકતા તેનાથી જુદી છે. છેલ્લી બે લોકસભા ચૂંટણીમાં ઓબીસી મતોનું વર્ગીકરણ જોઈએ તો ચિત્ર કંઈક જુદુ જ છે. છેલ્લાં એક દાયકામાં થયેલી ચૂંટણીઓમાં કોંગ્રેસના ઓબીસી વોટ ઘટયા છે જ્યારે ભાજપના બમણા થયા છે.
આ મુદ્દે થયેલા એક સરવેમાં જણાવવામાં આવ્યું હતું કે, 2004 અને 2009માં ઓબીસીના મત મેળવવામાં કોંગ્રેસ થોડી જ આગળ હતી. તેના અને ભાજપ વચ્ચે ખાસ મોટો તફાવત નહોતો. આ ચૂંટણીમાં કોંગ્રેસનો વિજય થયો તેમાં ઓબીસી વોટ ખાસ વધારે નહોતા પણ એસસી અને એસટી મત વધારે મળવાના કારણે કોંગ્રેસને ભાજપની સરખામણીએ વધારે બેઠકો મળી હતી. ચૂંટણીઓમાં જો છેલ્લાં એક દાયકાની વાત કરીએ તો 2014 અને 2019ની ચૂંટણીઓમાં જાતીગત સમીકરણો બદલાયેલા જોવા મળ્યા હતા. તમામ જાતીઓના મત મેળવવા મુદ્દે ભાજપ કરતા કોંગ્રેસ ક્યાંય પાછળ રહી ગઈ હતી. 2009ની ચૂંટણીમાં ઓબીસી વોટર્સ દ્વારા 24 ટકા મત કોંગ્રેસને આપવામાં આવ્યા હતા.
બીજી તરફ આ જ ચૂંટણીમાં ભાજપને પણ 22 ટકા ઓબીસી વોટ મળ્યા હતા. આમ જોવા જઈએ તો માત્ર બે ટકાનો જ તફાવત હતો. ત્યારબાદ જે ચૂંટણીઓ થઈ તેમાં કોંગ્રેસ ક્યાંય દૂર ફસડાઈ ગઈ. 2014ની ચૂંટણીમાં કોંગ્રેસને 15 ટકા ઓબીસી વોટ મળ્યા હતા. કોંગ્રેસની સામે ભાજપને 34 ટકા ઓબીસી વોટ મળ્યા હતા. ત્યારબાદ 2019માં પણ 15 ટકા ઓબીસી મતદારોએ કોંગ્રેસને મત આપ્યા હતા. તેની સામે 44 ટકા ઓબીસી મતદારોએ ભાજપને પોતાનો જનાદેશ આપ્યો હતો.
2009ની લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસ ઉપર સ્નેહ વરસાવનાર અને વધારે મત આપનાર એસસી અને એસટી મતદારોની લાગણી અને પસંદગી 2014થી બદલાવા લાગી હતી. 2009માં 27 ટકા એસસી મતદારોએ કોંગ્રેસને મત આપ્યા હતા. તેની સામે ભાજપના ભાગે માત્ર 12 ટકા એસસી મત આવ્યા હતા.
2014માં તેમાં કોંગ્રેસ તરફી ઘટાડો જોવા મળ્યો. કોંગ્રેસને માત્ર 19 ટકા મત મળ્યા અને બીજી તરફ ભાજપને 24 ટકા મત મળ્યા હતા. 2019માં પણ 20 ટકા એસસી મતદારોએ કોંગ્રેસનો હાથ પકડયો હતો. બીજી તરફ ભાજપનું કમળ ખિલવવામાં 34 ટકા એસસી મતદારો જોડાયા હતા. તેવી જ રીતે એસટી મતદારોનું વલણ અને લાગણી પણ બદલાયા હતા. 2009માં 38 ટકા એસટી મતદારોએ કોંગ્રેસને જ્યારે 24 ટકા એસટી મતદારોએ ભાજપને મત આપ્યા હતા. 2014માં દ્રશ્ય બદલાયું અને 28 ટકા મતદારોએ કોંગ્રેસને મત આપ્યા જ્યારે 38 ટકા મતદારોએ ભાજપને વોટ આપ્યા હતા.
2019માં તો સ્થિતિ સાવ પલટાઈ ગઈ હતી. 31 ટકા એસટી મતદારોએ 2019માં કોંગ્રેસને મત આપ્યા હતા. તેની સામે 44 ટકા મતદારો દ્વારા ભાજપને મત આપવામાં આવ્યો હતો.
થોડા સમય પહેલાં જ એક સભામાં રાહુલ ગાંધી દ્વારા જાતીગત મુદ્દે નિવેદન આપીને રાજકીય કયાસ કાઢવામાં આવ્યા હતા. રાહુલ ગાંધીએ આરોપ મુક્યા હતા કે, કોંગ્રેસ જાતીગત વસતી ગણતરી કરવા માગે છે પણ વર્તમાન સરકારને તેમાં રસ નથી. ભાજપ આ મુદ્દે ડરી રહ્યો છે.
થોડા સમય પહેલાં જ એક સભામાં રાહુલ ગાંધી દ્વારા જાતીગત મુદ્દે નિવેદન આપીને રાજકીય કયાસ કાઢવામાં આવ્યા હતા. રાહુલ ગાંધીએ આરોપ મુક્યા હતા કે, કોંગ્રેસ જાતીગત વસતી ગણતરી કરવા માગે છે પણ વર્તમાન સરકારને તેમાં રસ નથી. ભાજપ આ મુદ્દે ડરી રહ્યો છે.
ભાજપ દલિતો અને ઓબીસીનો ઈતિહાસ ભૂંસી નાખવા માગે છે. દેશમાં જાતીગત વસતી ગણતરી જરૃરી છે અને કોઈ શક્તિ તેને રોકી શકે તેમ નથી. દેશના પીએમ દ્વારા છેલ્લાં દસ વર્ષથી કહેવામાં આવે છે કે, તેઓ ઓબીસી છે.
જ્યારે બીજા કોઈ પક્ષ અથવા તો વિપક્ષ દ્વારા જાતીગત વસતી ગણતરીની વાત કરવામાં આવે ત્યારે ફગાવી દેવાય છે. તેઓ કહે છે કે, દેશમાં માત્ર બે જ જાતી છે, એક ગરીબ અને બીજા ધનિકો. અહીંયા ગરીબોની યાદીમાં દલિત, ઓબીસી અને આદિવાસીઓ જોવા મળશે પણ બીજી તરફ ધનિકોની યાદીમાં ઉપરોક્ત કોઈ સંપ્રદાય કે જાતી જોવા મળશે નહીં.
થોડા સમય પહેલાં પીએમ મોદી દ્વારા પણ કોંગ્રેસના મેનિફેસ્ટો અને માનસિકતાને છેતરનારા કહેવામાં આવ્યા હતા. તેમણે આરોપ મુકતા જણાવ્યું કે, ધર્મના નામે દેશના ભાગલા પાડનારા લોકો દ્વારા હવે જાતીના આધારે ભાગલા પાડી રહ્યા છે. દેશના એસસી, એસટી અને ઓબીસીના બંધારણીય અનામતના અધિકાર ઉપર તરાપ મારીને બીજા સમુદાયોને તેનો લાભ આપવાનો તખતો તૈયાર કરાયો છે. કોઈપણ ભોગે કોંગ્રેસના મનસુબા પૂરા થવા દેવાશે નહીં. કોંગ્રેસ હકીકતે તો ઓબીસીને અપાયેલા 27 ટકા અનામતના લાભને છીનવી લેવા માગે છે અને ધર્મના આધારે વહેંચવા માગે છે.
90ના દાયકથી ઓબીસીની અનામતનો લાભ છીનવીને મુસ્લિમોને આપીને ધાર્મિક વિખવાદ ઊભો કરવાનો કારસો ચાલી રહ્યો છે. 90ના દાયકામાં કર્ણાટકમાં મુસ્લિમોને ઓબીસીની કેટેગરીમાં વિભાજિત કરવાનો કારસો રચાયો હતો. તેઓ પહેલેથી જ ઓબીસી મતદારોને દબાવતા હતા અને તેમણે હવે ધર્મના નામે રાજકારણ કરવા માટે મુસ્લિમોને ઓબીસીનું લેબલ લગાવી દીધું.

2004માં કોંગ્રેસે આંધ્ર પ્રદેશમાં પણ ઓબીસી મતદારોની અનામત છિનવીને મુસ્લિમ મતદારોને આપવાનો કારસો કરાયો હતો. કોંગ્રેસ દ્વારા ઓબીસીની 27 ટકા અનામતને પણ આ લોકો વહેંચવા માગે છે.