સમાચાર સારાંશ: ગુજરાતમાં ચોમાસાની સિઝનમાં છેલ્લા 10 વર્ષમાં આ બીજા ક્રમનો સૌથી વધુ વરસાદ છે.
ગુજરાતમાં વરસાદની જોરદાર બેટિંગ આ વખતે મેઘરાજા મન મૂકીને વરસતાં અનેક સ્થાનોએ લીલા દુષ્કાળ જેવી સ્થિતિ સર્જાઈ સિઝનનો 137 ટકા વરસાદ નોંધાયો
ગુજરાતમાં આ વખતે મેઘરાજા મન મૂકીને વરસતાં અનેક સ્થાનોએ લીલા દુષ્કાળ જેવી સ્થિતિ સર્જાઈ છે. અત્યારસુધી સરેરાશ 47.44 ઈંચ સાથે સિઝનનો 137 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. ગુજરાતમાં ચોમાસાની સિઝનમાં છેલ્લા 10 વર્ષમાં આ બીજા ક્રમનો સૌથી વધુ વરસાદ છે.
અગાઉ વર્ષ 2019માં 49.95 ઈંચ સાથે સરેરાશ 146 ટકા વરસાદ વરસ્યો હતો.ગુજરાતમાં છેલ્લા 10 વર્ષમાં સૌથી ઓછો 25.10 ઈંચ વરસાદ વર્ષ 2018માં પડ્યો હતો. જેની સરખામણીમાં આ વખતે 28મી ઓગસ્ટ સુધીમાં જ સિઝનનો વરસાદ 100 ટકાથી વધી ગયો હતો.
આ વખતે અત્યારસુધી 140 તાલુકામાં 40 ઈંચથી વધુ, 104 તાલુકામાં 20થી 40 ઈંચ જ્યારે 7 તાલુકામાં 10થી 20ઈંચ સુધી વરસાદ નોંધાયો છે. 10 ઈંચથી ઓછો વરસાદ પડયો હોય તેવા એકપણ તાલુકા નથી.રીજિયન પ્રમાણે જોવામાં આવે તો કચ્છમાં 35.29 ઈંચ સાથે સિઝનનો 184.86 ટકા, ઉત્તર ગુજરાતમાં 32.75 ઈંચ સાથે 113.95 ટકા, પૂર્વ મધ્ય ગુજરાતમાં 42.02 ઈંચ સાથે સિઝનનો 131.63 ટકા, સૌરાષ્ટ્રમાં 42.15 ઈંચ સાથે સિઝનનો 145.21 ટકા જ્યારે દક્ષિણ ગુજરાતમાં 82.58 ઈંચ સાથે સિઝનનો 140.60 ટકા વરસાદ નોંધાયો છે. રાજ્યમાં હવે 100 ટકાથી વરસાદ પડ્યો હોય તેવો એકપણ જિલ્લો નથી.
જિલ્લા પ્રમાણે વલસાડમાં સૌથી વધુ 120 ઈંચ, નવસારીમાં 108 ઈંચ, ડાંગમાં 104 ઈંચ વરસાદ વરસ્યો છે. તાલુકા પ્રમાણે નવસારીના ખેરગામમાં 146 ઈંચ વરસાદ વરસી ચૂક્યો છે. ભારે વરસાદથી ગુજરાતના અનેક સ્થળોએ હવે લીલા દુષ્કાળ જેવી સ્થિતિ સર્જાઈ છે.
ભારે વરસાદને પગલે વડોદરાની સરકારી-ગ્રાન્ટેડ-નોન ગ્રાન્ટેડ- પ્રાથમિક-માધ્યમિક-ઉચ્ચતર માધ્યમિક એમ વડોદરા મહાનગરપાલિકાની તમામ શાળાઓમાં આજે (30મી સપ્ટેમ્બર) રજા જાહેર કરી દેવાઈ છે.
છેલ્લા એક સપ્તાહથી વડોદરામાં વરસાદી માહોલ સર્જાયેલો રહ્યો છે. ગુરુવારે (26મી સપ્ટેમ્બર) 110 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની સાથે ધોધમાર વરસાદ વરસ્યા બાદ શુક્રવાર અને શનિવારે પણ વરસાદી માહોલ યથાવત રહ્યો હતો.
શહેરમાં અતિભારે વરસાદથી અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતાં. નીચાણવાળા વિસ્તારોમાં આવેલા ઘરો તેમજ દુકાનોમાં પાણી ઘૂસી ગયા હતાં. એક મહિના પહેલાં ધોધમાર વરસાદ અને બાદમાં આવેલા પૂરના દ્રશ્યો લોકોની નજર સમક્ષ ફરી વળ્યા હતાં.બે ક્લાકમાં ત્રણ ઈંચ વરસાદથી શહેરના મધ્યમાં આવેલ રાવપુરારોડ તેમજ દાંડિયાબજારરોડ પર ઘૂંટણસમા પાણી ભરાઇ ગયા હતાં.
કેટલીક દુકાનોમાં વરસાદી પાણી ઘૂસી જતા વૈપારીઓને ફરી નુકસાન સહન કરવાનો વારો આવ્યો હતો. આ ઉપરાંત નીચાણવાળા વિસ્તારોમાં આવેલા કેટલાંક ઘરોમાં પણ પાણી ભરાઈ ગયા હતાં. સંગમ સવાદ ક્વાટર્સમાં પણ પાણી ભરાતા લોકો હેરાન પરેશાન થઈ ગયા હતાં. આ ઉપરાંત વાઘોડિયારોડ પર આવેલી પ્રભુનગર સોસાયટીમાં અનેક લોકોના ઘરોમાં પાણી ભરાતા પાણીમાં ફર્નિચર ફરતા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા હતાં
તમને આ પણ ગમશે:


તમને આ પણ ગમશે:



