સમાચાર સારાંશ: આજે રૂબરૂમાં આપણે વાત કરીશું હર્ષદીપસિંહ જાડેજા સાથે જેમનો જીવ નાટકનો છે પણ સમયની સાથે સાથે તેઓએ ફિલ્મોમાં પણ અભિનય કર્યો છે. ફિલ્મમાં આસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે કામ કરવાની સાથે સાથે પ્રયોગાત્મક નાટકમાં ટોચના વ્યક્તિઓ સાથે પણ તેમણે કામ કર્યું છે અને ફકત ગુજરાતી ભાષાના જ નહી પણ અન્ય ભાષાના નાટકો પણ સફળતા પૂર્વક કર્યા છે. હાલમાં આવેલી ગુજરાતી ફિલ્મ 'કારખાનું' માં તમે તમને જોયા પણ હશે.
આજે એક પ્રયોગાત્મક નાટકના સ્થળે બેસીને આપણે વાત કરી રહ્યા છે હર્ષદીપસિંહ જાડેજા સાથે જેઓ ૧૩ વર્ષથી ગુજરાતી રંગભૂમિ અને એક્ટિંગ સાથે જોડાયેલા છે અને તેઓ તેમના જીવનના અનુભવ, ઉતાર-ચડાવ, સારા-નરસા પ્રસંગો વગેરે આપણી સાથે વહેંચી રહ્યા છે. ચાલો થોડા વધારે જાણીએ હર્ષભાઈને અને તેમના થકી ગુજરાતી પ્રયોગાત્મક નાટકની દુનિયાને, ગુજરાતી સિનેમા અને નાટકના બદલાતા દર્શક વર્ગને.
હર્ષભાઈ રહ્યા નાટકનો જીવ, એમની સાથે સવાલ-જવાબ કરવાને બદલે એમની લાઈફ સ્ટોરી સાંભળવાની વધારે મજા આવે. પ્રસંગો સાથે બદલાતા હાવભાવ અને સમય સાથે અવાજના બદલાતા આરોહ-અવરોહ એ જાણે વાતાવરણને જીવંત કરી દીધેલું.. ચાલો હર્ષભાઈના બોલને મારા શબ્દોમાં મૂકીને તમને પણ તેમના જીવનમાં સાથે ડોકિયું કરવું.
હર્ષભાઈને મે જ્યારે કહ્યું કે વાતની શરૂઆત લોકો તમારા વિશે જે જાણતા નથી તેનાથી કરીએ, ત્યારે તેમણે એક ખુબ જ સુંદર વાક્ય સાથે વાતની શરૂઆત કરી. તેમણે કહ્યું કે "લોકો મને ઓળખે છે પણ ભૂલી ગયા છે, કારખાનું તે મારુ પહેલું મૂવી નથી .. પહેલા પણ મે ફિલ્મો કરી છે અને નાટક સાથે તો સતત જોડાયેલો રહ્યો છું. પણ હમણાં ફિલ્મ આવી એટલે જાણે મે તીર મારી લીધું અને લોકોની નજરમાં આવી ગયો." વાત તો સાચી છે હર્ષભાઈની તમે પણ સહમત થશો જ...!!
અનેક ઇન્ટરનેશનલ-નેશનલ ડ્રામા ફેસ્ટીવલનો ભાગ રહી ચૂકેલા, ૧૩ વર્ષથી વધુ સમયથી રંગમંચ અને ગુજરાતી ફિલ્મો સાથે જોડાયેલા, ૨૦૧૯માં નાટકને લોકો સાથે જોડાવા પોતાનું ફાઉન્ડેશન શરૂ કરનાર હર્ષભાઈને જાણે નિયતી રંગભૂમિ તરફ લઈ જવા માંગતી હતી, કેવી રીતે તે તેમના જ શબ્દોમાં જ ..
"વાત કરું તો હું તો ભૂલ-ભૂલમાં એક્ટિંગ અને રંગભૂમિ સાથે જોડાઈ ગયો છું. વાત જાણે એમ થઈ કે હું ૧૨માં ધોરણમાં કેમેસ્ટ્રીમાં નાપાસ થયો અને પછી સલાહ મળવા લાગી કે હવે આર્ટસ કરવું જોઈએ વગેરે, જે તે સમયે તો કોઈએ ગાલ આપી હોય તેવું લાગ્યું, અહમ ઘવાયો કે મારી કેપેસીટી પર કેવી રીતે કોઈ સવાલ કરી શકે? પછી પરિવારને સમજાવ્યો કે સાથે સાથે UPSEની તૈયારી કરીશ, થોડી વધારે સગવડ મળી, થોડું મન વધ્યું અને સારી તૈયારી થાય તે આશયથી વતન સુરેન્દ્રનગરથી અમદાવાદ માસા-સાહેબના ઘરે મોકલી આપવામાં આવ્યો. UPSE ની દાનત હતી કે ન હતી તે આજે પણ ખબર નથી પણ અમદાવાદ આવતું તે મારા જીવન માટે ટર્નિંગ પોઈન્ટ સાબીત થયો. અત્યારે યાદ કરું તો યાદ આવે છે કે કાનજી સરે મને પહેલાં જ કહ્યું હતું કે તું કોમ્યુનિકેશનનો માણસ છે આર્ટસમાં જા સારો પત્રકાર બની શકીશ."
"કોલેજ કાળમાં યુથ ફેસ્ટીવલના પોસ્ટર તરફ ધ્યાન ગયું અને વકૃત્વ સ્પર્ધામાં ભાગ લેવાનું નક્કી કર્યું પણ નિયતીએ કઈ અલગ જ ધાર્યું હશે વાંચવામાં ભૂલ થઈ કે શું થયું તે કોઈ જાણે પણ વકતૃત્વ સ્પર્ધાના બદલે નાટક સ્પર્ધા માટે પહોંચી ગયો. વાત થઈ ક્યાંથી આવો છો? તો કહ્યું સુરેન્દ્રનગરથી પણ મારી બોલીની મજાક બનાવવાનો હક હું કોઈને નથી આપતો, પણ વાત એવી હતી કે નાટક સૌરાષ્ટ્રની રસધારની વાર્તાઓ પર જ થઈ રહ્યા હતા. પણ હું તો દરબારનો દીકરો, મારાથી નાટક કેવી રીતે કરાય ની વિચારસરણી સાથે ના પાડીને આવ્યો. ઘરે ચર્ચા થઈ અને માસા-સાહેન અને માસીબાએ પોતાના કોલેજ કાળની વાત કરીને થોડી હિંમત આપી, કદાજ તેઓ સમજી ગયા હતા કે ૧૨માં ફેલ થવાનું ફરસ્ટેશન ત્યારે જ નીકળશે જ્યારે મન કોઈને વિષય તરફ વળશે.. પિતાજીના થોડા દર સાથે પણ નાટકની દુનીયામાં જોડાઈ ગયો, આજે એ વાતને ૧૩ વર્ષ થયા અને સાચું કહું તો ૧૨માં ફેલ થવા પાછળનું સાચું કારણ પણ સૌરાસ્ટ્રની રસાધાર અને સત્યના પ્રયોગો જ છે!"
હર્ષભાઈ, તમારા આ પહેલા નાટકમાં તમારો રોલ કેટલો હતો અને પછી આ યાત્રા આગળ કેવી રીતે વધી?
"ત્યારે એવો કોઈ વિચાર નહોતો આવ્યો અને આજે પણ એવો વિચાર નથી આવતો કે હું કેટલા સમય માટે સ્ટેજ ઉપર આવું છું કેટલો અગત્યનો રોલ છે કે મને કેટલું મહત્વ મળે છે. રાજુભાઇ તો આજે પણ મઅને ટોળાંમાં ઊભો કરે છે. હા, પણ પહેલા નાટકમાં લગભગ છેક થી છેક સ્ટેજ ઉપર રહ્યો હતો અને થોડા દિવસ પછી તેના બીજા પ્રયોગ પછી સરે કહ્યું કે મારા ગ્રુપમાં હું એક જ વ્યક્તિ હતો જેણે પાત્રને બંને પ્રયોગ વચ્ચે ખૂબ જ સારી રીતે પકડી રાખ્યું હતું. આ શબ્દ શાબાશીએ મારા નાટકની યાત્રાને વેગ આપ્યો."
"આ પછી એક બીજા મિત્ર સાથે જોડાયો અને તેઓના બે સફળ નાટકોનો ભાગ બન્યો અને ત્રીજા નાટક વખતે થોડું મન દુઃખ થયું અને તેઓથી અલગ થવાનું બન્યું. યોગાનું યોગ તે સમયે પરિવાર પણ સુરેન્દ્રનગરથી અમદાવાદ શિફ્ટ થયો અને પહેલું કામ મારા નાટક બંધ કરવાનું કર્યું, પણ એમ થોડું નાટકોથી અલગ થવાય..!! તે સમયે છુપાઈને પણ નાટક કર્યા છે."
હર્ષભાઈ, લાગે છે તમે કોલેજ સમયમાં નાટકોને પૂરતો સમય આપ્યો છે..?
"૨૦૧૨-૨૦૧૩માં યૂથ ફેસ્ટીવલમાં નાટકો ભજવાતો હાતો જ પણ જ્યારે ABVPના સક્રિય નેતા તરીકે પણ ભૂમિકા ભજવવાની થઈ ત્યારે છ મહિના માટે નાટક અટકી ગયા હતા. વાત જાણે એમ બની હતી કે પાંચમા સેમેસ્ટરમાં એક સાથે અનેક વિદ્યાર્થી મિત્રોને નાપાસ કરવામાં આવ્યા જેમનો એક હું પણ હતો, જે શક્ય ન હતું. જેની સામે અમે લડત ઉપાડી, શરૂઆતમાં લોકોનો સાથ હતો ટોળા ને ટોળા સાથે હતા પણ સમય સાથે લોકો ઓછા થતા ગયા.. પરિસ્થિતિ સ્વીકારતા ગયા અને છેલ્લે તો એકલા VC સામે જઈને ઊભા રહેવું પડે લડી-જગાડીને વાત રજૂ કરવી પડે તેવી પરિસ્થિતિ ઊભી થઈ પણ છેલ્લે ન્યાય મળ્યો અને પરીક્ષા ફરી લેવાઈ અને ખૂબ સરસ માર્ક સાથે હું પાસ પણ થઈ ગયો. ૨૦૧૪માં રાજૂ બારોટ સાથે જોડાવવાનો મોકો મળ્યો, ૨૦૧૫માં તેઓને મને તેમનો મેનેજર જાહેર કર્યો. ૨૦૧૬માં MDC સાથે જોડાય બાદ તો રંગભૂમી અને એક્ટિંગ જ મારી દુનિયા બની ગઈ. આ સમય દરમ્યાન રાજુભાઇ સાથે સોક્રેટીસ, કૈકૈ જેવા નાટકો ભજવવાનો મોકો પણ મળ્યો."
વાચકો કદાચ ન જાણતા હોવો તો જણાવું કે કૈકૈ એક ખૂબ સુંદર નાટક છે જે રામાયણને અલગ દ્રષ્ટિકોણ થી દેખાડે છે. જેમાં કૈકૈનું મહત્વ અલગ છે અને તેને યોજનાબદ્ધ રીતે રામાયણની રચના કેવી રીતે કરી તેની વાત છે. મોકો મળે અને નાટક ફરી આવે તો ચોક્કસ જોજો.
હર્ષભાઈ, પ્રયોગાત્મક નાટક ફરી નથી ભજવાતા તેનું કારણ તમને શું લાગે છે? એક પેઢીના જોયેલા નાટક બીજી પેઢીને જોવા નહી મળે?
"તમે જ કહો આ જવાબદારી કોની? કયા સુધી નાટ્ય નિર્દેશકો અને કલાકારો જ નાટક વાહન કરવાની જવાબદારી ઉપડશે? લોકોને કેમ એમ ન થાય કે દર થોડા વર્ષે નાટકને ફરી ઊભું કરવું..?"
હર્ષભાઈના આ સવાલોના જવાબ મારી પાસે નથી, તમારી પાસે હોય તો ચોક્કસ જણાવશો.
"૨૦૨૩-૨૦૨૪માં પ્રયોગાત્મક નાટકના ફરી કરવાનો પ્રયોગ રાજુબારોટે કરેલો છે અને પ્રરિત્રણ નાટક હમણાંજ ફરી ૨૦ વર્ષ પછી ભજવાયું. ક્યાંક પ્રશ્ન એ પણ છે કે પ્રયોગાત્મક નાટક સમાજને અરીસો બતાવતું હોવાથી તેને સ્પોન્સર નથી મળતા, મીડિયા પણ ક્યાંક પ્રયોગાત્મક નાટકને ઓછું મહત્વ આપે છે.(અહિયાં હું લેખક તરીકે હર્ષભાઈને બાંહેધરી આપી રહ્યો છું કે આ પોર્ટલ દ્વારા અમે પ્રયોગાત્મક નાટકને પૂરો સપોર્ટ કરીશું.), બીજી વાત એ પણ છે કે ભદ્રા સમાજના કેટલાક વર્ગને આવા નાટકો નથી ગમતા. તેમજ કેટલાક લોકો એમ વિચારે છે કે પૂરા પૈસા આપ્યા પછી ત્રણ કલાક તો મનોરંજન મળવું જોઈએ જ્યારે પ્રયોગાત્મક નાટક ટુંકા ને ૪૫ મિનિટથી ડોઠ કલાકને હોય છે. સામાન્ય લોકોને કદાચ આ જ કારણોસર કોમર્શિયલ નાટક વધારે ગમે છે."
હર્ષભાઈ તમારા નાટક યાત્રાના માઈલસ્ટોન વિષે જણાવો..
"શરૂઆત અને કોલેજ સમયની વાત તો તમને કરી જ છે પછી ૨૦૧૯માં ૪થી એપ્રિલએ એક ડગલું આગળ ચાલીને ધ્રુવ જીગર અને પિન્ટુ સાથે મળીને પોતાની સંસ્થા "તુલસીપત્ર આર્ટ ફાઉન્ડેશન" ચાલુ કરી જેના દ્વારા અને અનેક નાટકો ભજવ્યાં, વિદ્યાર્થીઓ માટે વર્કશોપ પણ કરી. ફાઉન્ડેશનનો મુખ્ય ઉદ્દેશ સમાજ માટે કઈ કરવાનો અને કલાને સમાજ પાસે લઈ જવાનો છે." (આ સંસ્થા વિષે વધુ માહિતી એક અલગ લેખમાં આપીશું જેમાં આપને ચારે ફાઉન્ડર સાથે વાત કરીશું.)
"ઉપર જણાવ્યા તે બધા જ ગુરુ મિત્રો સાથે કામ કરવું તે બધા નાટકોમાં કામ કરવું તે પણ મારા માટે માઈલસ્ટોન જ છે. પણ સાથે સાથે ઘણી આવી વાતો છે જે લોકો માટે અજાણી છે જેમ કે મે ૨૦૧૯માં ગુણોમની બલુઆ સાથે અસમમાં એક મહિનો કામ કર્યું અને ત્યારે જે દ્વી પાત્રીય નાટક તૈયાર થયું તેના ૧૫ જેટલા પ્રયોગો થયા જેમાં ગુજરાત અને આંદવાદના સ્થળોનો સમાવેશ પણ થાય છે. ૨૦૨૦-૨૧માં ધ્રુવ સાથે મળીને અસમ નટયોત્સવમાં કામ કર્યું, તો કેટલાક ગુજરાતી કલાકારો સાથે નેપાળ ઇન્ટરનેશનલ થેટર ફેસ્ટીવમાં 'માનમંચ' નાટક ભજવ્યું."
"૨૦૧૭થી અર્પિતા કાગટ સાથે જોડાયો અને ઘણું એમની પાસેથી પણ ઘણું શીખવા મળ્યું. એમની સાથે મંચ વગરનું નાટક ભજવ્યું જેમાં કોઈ એક ફ્લેટના ભોંયરથી અગાસી સુધી બધાને સ્ટેજ બનાવીને એક્ટિંગ કરી અને મંચ વગર નાટક કેવી રીતે થાય તે જાણ્યું. સાથે-સાથે ૧-૨ પ્રોજેક્ટમાં બેક સ્ટેજ કામ પણ કર્યું, બગીચાઓ અને મોલ જેવા સ્થળોએ લોકજાગૃતિ માટે લાઈવ નાટક પણ કર્યા. આ બધા સમયમાં નાટકમાં સ્પેસ અને સ્ટેજનું મહત્વ સમજ્યા.આ દરમિયાન એક જ નાટકને ત્રણ અલગ અલગ રીતે ભજવાનો પ્રયોગ પણ મી કર્યો છે."
"ઉપરાંત, ભારત રંગ મહોત્સવ, જશ્ને બચપન, થિયેટર ઓલમ્પિક, બંગાળ શાંતીપુરા થિયેટર ફેસ્ટીવલ, કૃષ્ણ દ્વાર થિયેટર ફેસ્ટીવલ, બહુરૂપી સંસ્થા થિયેટર ફેસ્ટીવલ, પ્રાગ જ્યોતિષ થિયેટર ફેસ્ટીવલ, અસમ મદુમદુકા કેન્દ્રમાં અંડર ધ ટ્રી ફેસ્ટિવલ માં પણ જઈ આવ્યો છું. રાજૂબારોટ સાથે મે સાંસ્કૃત નાટક પણ કર્યા છે તો કોલેજ સમયમાં સપ્તધારા - સતપ્તરા વર્કશોપ પણ કર્યો છે. કહે છે કે ફરે તે ચરે, બાંધ્યો ભૂખે મરે .. તે રીતે ફરી ફરીને અનુભવમાંથી ઘણું શીખવા મળ્યું છે."
હર્ષભાઈ નાટકથી હવે ફિલ્મો તરફ આવીએ અને તમારો ફિલ્મ સાથેનો અનુભવ કેવો રહ્યો તે જાણીએ.
"ફિલ્મો સાથે હું ઘણા લાંબા સમયથી જોડાયેલો છું, ઘણા લોકોને ખબર નથી કે મે મારી પહેલી ફિલ્મ ૨૦૧૫માં દિવ્યાંગ ઠક્કર અને માનસી રાજ સાથે કરી હતી .. ફિલ્મનું નામ 'ખાટી-મીઠી સેટિંગ; હતું પણ કોઈ કારણોસર તે રિલીઝ થઈ શકી નથી. ૨૦૧૭માં મે એક નાનકડી ફિલ્મ 'છોકરી વિનાનું ગામ' પણ કરી છે. તેમજ રોંગ સાઈડ રાજૂમાં બેક સ્ટેજ આર્ટ ડિરેક્ટર તારીખ પણ કામ કર્યું. ધુવધાર અને ગુજ્જુભાઇ મોસ્ટ વોન્ટેડ માં પણ કેમીયો કર્યો છે. હમણાં આવેલી ફિલ્મ 'કારખાના' માં પહેલા મને રિજેક્ટ કરવામાં આવ્યો પછી તો તમે મને આખી ફિલ્મમાં જોયો હશે જેમાં મારુ પાત્ર એવું છે કે પહેલા સરળ અને સાઈડમાં રહે છે પણ છેલ્લે સપૂર્ણ ફિલ્મને સાંભળે છે."
"નાટક અને ફિલ્મમાં કામ આક્રવામાં મુખ્ય ફરક એ છે કે નાટકમાં આઘાત-પ્રત્યાઘાતનો તરત અનુભવ થાય જ્યારે ફિલ્મમાં પ્રત્યાઘાત પહેલા હોય અને આઘાત પછી મળે."
હર્ષભાઈ તમે ડોક્યુમેન્ટરી પણ બનાવી છે? એ વાત સાચી? દૂરદર્શન સાથે કેવી રીતે જોડાયેલા છો?
"હા, ડોક્યુમેન્ટરી ફિલ્મ તો બનાવી જ છે સાથે સાથે કેટલીક જાહેરાતો પણ બનાવી છે. કેટલાક NGO માટે કેમ્પેન ડિઝાઇન પણ કર્યા છે જેમાં સ્વચ્છતા અને હાઇજીનની વાતો કરવામાં આવી હતી જેમાં અમે ૪૭ જેટલા ગામડાઓ ટાર્ગેટ કર્યા હતા. અત્યારે હું દૂરદર્શન માટે ૧.૫ વર્ષથી કામ કરું છું દર અઠવાડીયે ફીચર સમાચાર રેકોર્ડ કરું છું જે દર રવિવારે ૨ વાગે પ્રસારીત થાય છે અને YouTube પર પણ મુકાઈ છે. વચ્ચે તો PRO તરીકે પાલનપુરના એક ટ્રસ્ટમાં પણ કામ કરી ચૂક્યો છું."
છેલ્લો સવાલ, હર્ષભાઈ પ્રયોગાત્મક નાટકોનું ભવિષ્ય તમને શું લાગે છે?
"જે રીતે શહેરમાં પ્રયોગાત્મક નાટકો માટેના મંચ વધતા જઈ રહ્યા છે જે રીતે નવી પેઢી દરેક વિષયને અપનાવી રહી છે તેની સાથે સાથે જોડાઈ રહી છે તે જોતાં પ્રયોગાત્મક નાટકોનું ભવિષ્ય તો ઉજળું દેખાઈ રહ્યું છે. બાકી હું, તમે અને આપણા જેવા મિત્રો છે જે તેને જીવંત રાખીશું."
તમને આ પણ ગમશે:


તમને આ પણ ગમશે:



