સમાચાર સારાંશ: સંખેડાના ૧૮મી સદીની આસપાસના લાખકામના કેટલાક નમૂના વડોદરાના સંગ્રહસ્થાનમાં છે. માહિતી પ્રમાણે સંખેડાના લાખકામના જૂના નમૂના યુરોપનાં કેટલાંક સંગ્રહસ્થાનોમાં તથા કલકત્તાના ઈન્ડિયન મ્યુઝિયમમાં સંઘરાયેલા છે.
કલાતીર્થ ટ્રસ્ટના અધ્યક્ષ રમણીક ઝાપડિયાએ આ ગ્રંથની માહિતી આપતા જણાવ્યું હતું કે ભારતમાં કેટલાક કલા-ઉદ્યોગો વર્ષોથી અસ્તિત્વ ધરાવે છે. એમાં સુરતનો સોના-ચાંદીનો જરીઉદ્યોગ, કપડવણજનો કાચ-ઉદ્યોગ, કચ્છ-સૌરાષ્ટ્રનું આભલાભરત-કામ, બિદર(મૈસૂર)નું ધાતુનાં વાસણ ઉપરનું નકશીકામ, ખંભાતનો અકીક-ઉદ્યોગ, મુરાદાબાદ(ઉત્તરપ્રદેશ)નું ધાતુપાત્રનું કામ, કાશ્મીરી ભરતકામ, બંગાળ અને ઓરિસાનો સુંદર હાથસાળ ઉદ્યોગ વગેરેનો સમાવેશ થાય છે. અનેક પ્રકારની ચડતીપડતી વચ્ચે પણ આ કલા-ઉદ્યોગોએ ટકી રહીને ગૌરવપૂર્વક પોતાની યોગ્યતા પુરવાર કરી આપી છે. યંત્રવાદમાં ઊંડો ખૂંપી ગયેલો આજનો સમાજ આ ઉદ્યોગોનાં કલાસર્જનો વડે રાચે છે. રોજિંદા વપરાશની નાની નાની ચીજવસ્તુઓમાં પણ કલા રેડીને એને જીવનમાં ઓતપ્રોત બનાવી દેવાની પૂર્વની કુશળતાને પશ્ચિમના નર્યા ભૌતિકવાદી જગતે પણ અપનાવવા માંડી છે. સર્જનનો આવો આનંદપ્રદ ફાલ જે અટકી જાય તો જીવન પછી નિરસ જબની રહે.
આપણા કલા-ઉદ્યોગોમાં લાકડા ઉપરના લાખકામનો ઉદ્યોગ પણ એક જૂનામાં જૂનો ઉદ્યોગ છે. કમનસીબે એના નમૂનાઓ કુદરતી પદાર્થોમાંથી બનેલા હોવાથી પ્રતિકૂળ આબેહવાને લીધે પુરાવસ્તુવિદ્યાનાં ઉત્ખનનોમાં એ મળતા નથી, પણ લાખ અને તેના વિવિધ ઉપયોગની જાણ આપણને ઘણા પ્રાચીન કાળથી હતી એવા અન્ય અનેક પુરાવા મળે છે. અથર્વવેદ-સંહિતામાં (૫.૫) લાખ પેદા કરતા જીવાણુઓની અને તેના વિવિધ ઉપયોગની વિસ્તૃત માહિતી છે. વળી, લાખનો ઉપયોગ ઔષધ રૂપે અને ઘા રૂઝવવા માટે પણ થતો એમ જણાય છે. મહાભારતમાં કૌરવોએ પાંડવોનું નિકંદન કાઢી નાખવા માટે “લાક્ષાગૃહ”ની રચના કરેલી એ જાણીતું છે. લાખકામના પ્રાચીન નમૂના પ્રાપ્ત ન હોવા છતાં આવી લિખિત માહિતીઓ પરથી લાખના વિવિધ ઉપયોગની જાણ ભારતીય પ્રજાને સૈકાઓથી હતી એમ સ્પષ્ટપણે પ્રતીત થાય છે.

ભારતમાં મૈસૂર, રાજસ્થાન, મધ્યપ્રદેશ, બિહાર, ઉત્તરપ્રદેશ, ગુજરાત, ઓરિસા વગેરેમાં લાકડા ઉપર લાખનું કામ થાય છે. આ ક્ષેત્રમાં દરેક પ્રદેશને કામની બાબતમાં પોતાની આગવી પ્રતિભા છે અને તેને લીધે કામમાં નવીનતા અને વિવિધતા જોવા મળે છે.
ગુજરાતમાં સાબરકાંઠામાં ઈડર, સૌરાષ્ટ્રમાં જૂનાગઢ પાસે રૂપાયતન, ધોરાજી, રાજકોટ, જામનગર અને ભાવનગરમાં લાખકામ થાય છે. પણ એ સર્વેમાં મધ્ય ગુજરાતમાં વડોદરા જિલ્લાના સંખેડા ગામે ચાલતા લાખકામ-ઉદ્યોગની પ્રતિભા આગવી અને ઉચ્ચ રહી જ છે અને આજે તો એ લાખકામે સમગ્ર ભારતમાં જ નહિ, પણ વિદેશમાં પણ પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી છે.
સંખેડાના લાખકામના નમૂનાઓ આજે લંડનના બકિંગહામ પેલેસ, વૉશિંગ્ટનના વ્હાઈટ હાઉસ અને ક્રેમલિનના વડા પ્રધાનના રહેઠાણને શોભાવે છે.
સંખેડાનો લાખકામ ઉદ્યોગ કેટલો પુરાણો છે અને એનો ઉદ્ભવ કેવી રીતે થયો એ અંગેના કોઈ સ્પષ્ટ પુરાવા પ્રાપ્ત નથી. પણ પોતે ક્યાંથી આવ્યા તે અંગે સંખેડાના ખરાદીમાં કેટલીક માન્યતાઓ પ્રવર્તે છે. સંખેડાના ૧૮મી સદીની આસપાસના લાખકામના કેટલાક નમૂના વડોદરાના સંગ્રહસ્થાનમાં છે. માહિતી પ્રમાણે સંખેડાના લાખકામના જૂના નમૂના યુરોપનાં કેટલાંક સંગ્રહસ્થાનોમાં તથા કલકત્તાના ઈન્ડિયન મ્યુઝિયમમાં સંઘરાયેલા છે.
દુઃખ સાથે કહેવું પડે છે કે લાખકામ-ઉદ્યોગ તો લગભગ ભગ્ન દશામાં છે. આર્થિક રીતે પોષણ થતું ન હોવાથી ધીમે ધીમે કારીગરો બીજા ધંધા તરફ વળતા થયા છે. જે થોડાં કુટુંબો આ વ્યવસાયને વળગી રહ્યાં છે તેમના કામનું ધોરણ પણ પૂરતા વળતરને અભાવે કથળતું જાય છે. સરકારની સહાય અને અમુક લોકચાહનાને લીધે આ ઉદ્યોગ જેમતેમ ટકી રહ્યો છે ખરો, પણ નવી પેઢી તેમાં દાખલ થતાં હવે આનાકાની કરે છે.
સંખેડાના ખરાદીઓની કાષ્ઠકલા પણ જાણવા અને માણવા જેવી છે. આ પ્રક્રિયા ખૂબ જ ચીવટ અને જહેમત માંગી લે તેવી છે. સામાન્ય લાકડામાંથી વસ્તુઓ તૈયાર કરવાની રીત ઘણી મહેનત માંગી લે છે. લાખકામમાં આલેખાતી ભાતમાં ભૌમિતિક આકારો, મોર, હાથી, પોપટ, ચકલી તેમજ પાન, ફૂલનાં કૂંડાં, વેલ વગેરેનો વ્યાપક ઉપયોગ થાય છે. ઘણી વાર કીર્તિમુખ જેવી આકૃતિઓ પણ તેઓ આલેખે છે. ક્યા નમૂના ઉપર કેવી ભાત આકારવી એની સૂઝ કલાદૃષ્ટિવાળા કારીગરને જ હોય છે. સંખેડાના લાખકામમાં ખાસ કરીને ઘોડિયાં, પારણાં, નાનાં બાળકો માટેની ચાલણગાડી, ફૂલદાની, ગુલાબદાની, બાજઠ, હીંચકા, વિવિધ રમકડાં, પાનદાન વગેરે બનતાં. છેલ્લા બે-એક દાયકાથી ખુરશી, ટિપાઈ, બેડ-લેમ્પ, ટેબલ-લેમ્પ, પલંગો, ટ્રે વગેરેની પણ માગ વધી છે.
સંખેડાની કાષ્ઠકલાને જાળવવી અને સાચવવી તે એક નાગરક તરીકે આપણી સૌની ફરજ છે. આ “કાષ્ઠકલા” છેવાડાના ગામડા સુધીના કલાચાહકો, ઈતિહાસવિદો, પુરાતત્ત્વવિદો, ગુજરાતભરની સરકારી અને ખાનગી રાહે કાર્ય કરતી યુનિવર્સિટીઓ, ગ્રંથભંડારો, સમૃદ્ધ પુસ્તકાલયો અને સંશોધકો સુધી પહોંચે એવા શુભ આશયથી આ ગ્રંથનું નિર્માણ કર્યું છે. સંખેડા કૉલેજના ગુજરાતીના અધ્યાપક ડૉ. સાધના ટાંકે આ ગહન વિષય પર ખૂબ મોટું કામ કરીને મેઘાણી કાર્ય કર્યું છે. દરેક પ્રકરણોને અધ્યાય રૂપે રજૂ કરીને કલાને ઉચ્ચ આયામ આપ્યો છે. ત્યારે કલાતીર્થ ટ્રસ્ટ તરફથી ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. આ દસ્તાવેજીકરણમાં ખરાદીઓએ પોતાની કાષ્ઠકલાની મુક્તમને ચર્ચા કરીને ગ્રંથ માટે સામગ્રી પૂરી પાડવાનું ભગવત્ કાર્ય કર્યું છે. તેમને પણ વંદન કરીને અભિનંદન પાઠવું છું. કલાતીર્થના પવિત્ર કાર્યમાં હરહંમેશ મારી પડખે ઊભા રહીને પવિત્ર કાર્ય પ્રમાણ્યું છે એવા ચિલ્ડ્રન યુનિવર્સિટી – ગાંધીનગરના પૂર્વ-કુલપતિ, માતૃભાષા ગૌરવ પ્રતિષ્ઠાનના ઉપાધ્યક્ષ પરમ આદરણીય હર્ષદભાઈ શાહ, ગુજરાતના સુપ્રસિદ્ધ સાહિત્યસર્જક અને કલાસમીક્ષક ડૉ. તૃપ્તિ ભાવસારનો ખૂબ ખૂબ આભાર માનું છું. કલાગંગોત્રી ગ્રંથ ભાગ-૩૫ના નિર્માણમાં બેંકિંગ ક્ષેત્રે વિશ્વસનીયતાનું પ્રતીક ગણાતી આપણી બેંક ધી કાળુપુર કોમર્શિયલ કો-ઓ. બેન્ક લિ.ના ચેરમેનશ્રી અંબુભાઈ પટેલ, સમગ્ર બોર્ડ ઓફ ડિરેક્ટર સાથે કાળુપુર કોમર્શિયલ બેન્ક પરિવારનો ખૂબ ખૂબ આભાર. સાથે આ પ્રકલ્પમાં મારી સાથે જોડાઈને મને હરહંમેશ પ્રોત્સાહિત કર્યો છે એવા હેલ્થકેર ફાઉન્ડેશન, અમદાવાદના સ્થાપક ચેરમેન અને મારા પરમ આદરણીય ડૉ. ભરત ભગતસાહેબનો આભાર ન માનું તો કેમ ચાલે..!!!
આપ સર્વે સંસ્કૃતિસમૃદ્ધ, કલારસિક, સંસ્કારપ્રિય એવા ગરવા ગુજરાતીઓની સદ્ભાવના, શુભેચ્છાઓ, સહકારથી મને આ પવિત્ર કાર્ય કરવાનાં બળ અને પ્રેરણા મળે છે. ભવિષ્યમાં પણ આપ સૌનો સહકાર મળતો રહેવાનો જ છે તેનો મને અતૂટ વિશ્વાસ છે. વધુ ઉન્નત, વ્યાપક, ગહન કલાસેવા કરવાનું મા વાગીશ્વરી બળ આપે તેવી પ્રાાર્થના સાથે વિરમું છું.
તમને આ પણ ગમશે:


તમને આ પણ ગમશે:



