સમાચાર સારાંશ: મૂળ પ્રાકૃત પરંપરામાં 'ભસ્મિ' ભરીને બનાવેલું એ શબ્દ મળે છે. તો સંસ્કૃત ભાષામાં 'ભૃત' ઉપરથી ભરત શબ્દ વ્યુત્પન્ન થયો હોય એવું અનુમાન કરી શકીએ છીએ
આહીર ભરતનું સૌંદર્યદર્શી લોકરૂપ રજૂ કરતો કલાતીર્થનો કલાગંગોત્રી ગ્રંથ 'કચ્છના આહીરોનું ભરતકામ'
કલાતીર્થના અધ્યક્ષ રમણીક ઝાપડિયાએ આ ગ્રંથ વિશે માહિતી આપતા જણાવ્યું હતું કે લોકસંસ્કૃતિમાં લેખક જયમલ પરમારે લોકભરતની વ્યાખ્યા આપતાં સમજાવ્યું છે કે આજે આપણે જેને 'લોકભરત' તરીકે ઓળખીએ છીએ, તે સૌરાષ્ટ્રની ભૂમિગત દેશપ્રજાનું આગવા પ્રકારનું સર્જનકાર્ય છે. મૂળમાં તે દૃશ્ય પરંપરાનું ભરત છે. પણ તેને 'લોકભરત' એવું નામ પ્રયોજન તો દેશ સ્વતંત્ર થયો તે પછી કહેવાનું શરૂ થયું છે. જેમાં શાસ્ત્રીય પરંપરાની વિશિષ્ટ સ્વરૂપ લાક્ષણિકતાની છાપ નથી, જે વિશેષતઃ તળપદ પ્રજાસમૂહો જેવા કે ખેડવાયા, માલધારી અને વસવાયામાં સાંધિક રીતે પ્રયોજિત થયું છે અને નિજ ઉપયોગાર્થે ભરાય, પહેરાય અને શોભાસજ્જા માટે પ્રયોજાય છે એવા તળપદ ભરતકામને અત્યારે આપણે 'લોકભરત' કહીએ છીએ.

મૂળ પ્રાકૃત પરંપરામાં 'ભસ્મિ' ભરીને બનાવેલું એ શબ્દ મળે છે. તો સંસ્કૃત ભાષામાં 'ભૃત' ઉપરથી ભરત શબ્દ વ્યુત્પન્ન થયો હોય એવું અનુમાન કરી શકીએ છીએ. કાળક્રમે અનેક જ્ઞાતિઓ સ્થળાંતરિત થઈને સૌરાષ્ટ્રના અલગ અલગ પ્રદેશમાં વસી છે. અંગ્રેજ અને મરાઠા પણ સૌરાષ્ટ્રમાં ઊતરી આવ્યા અને સહુએ વત્તે ઓછે અંશે તળભૂમિના સંસ્કાર સ્વીકારી લીધા. જે પ્રજા સૌરાષ્ટ્ર, કચ્છમાં ઊતરી આવી તેઓ જાતપાતના લોકો પોતાનો કલાવારસો સાથે લઈને આવ્યા છે. તળપદ જાતિઓના કલાસંસ્કારમાંથી કશુંક નવું લઈને પોતાના કલાકસબને જીવંત રાખ્યો, આ રીતે સૌરાષ્ટ્ર - કચ્છની અનેક જાતિ-પાતિના લોકોથી ભરપૂર હોવાથી તેના 'લોકભરત'માં ઘણું વૈવિધ્ય અને શોભન ભાત રચનાની પુષ્કળ સમૃદ્ધિ જોવા મળે છે.
તળપદ મૂળ અનાર્ય પ્રજાની સંસ્કૃતિ નદીકિનારે પાંગરેલી હતી. આ સંસ્કૃતિ તબક્કાવાર રીતે અનેક જ્ઞાતિઓ સાથે ધીમે ધીમે અને સદીઓના સહારે મિશ્રણ થતું ચાલ્યું હશે. તળપદ અનાર્ય પ્રજા પાસે ગઢ કિલ્લાની વિકસિત સંસ્કૃતિ હતી તેઓ પશુપાલન, ખેતી, વ્યાપાર, વહાણવટુ અને કલાસંસ્કૃતિના ઘણા અંશે જાણકાર હતા. આ પ્રજાની નગરરચના પણ વ્યવસ્થિત પ્રકારની હતી. અનાર્ય પ્રજાના પહેરવેશ અધોવસ્ત્ર, ઉપવસ્ત્ર મુખ્ય હતા. વસ્ત્રોમાં સૂતર, ઊનના હાથવણાટથી તૈયાર કરેલા વેજા—ફળિયા હતા. આ સ્ત્રી-પુરુષોનાં વસ્ત્રોમાં રંગાટીમાં લાલગેરુઓ, કાળો નીલવર્ણો, પીળો રામરજ, વનસ્પતિમાંથી નીલો અને ખટાશ - તુરાશથી બનાવેલા રંગો ઉપરાંત આવળ, બાવળની છાલમાંથી કથ્થાઈ રંગ તૈયાર કરતા હતા. આજથી પચાસ વર્ષ પહેલાં સૌરાષ્ટ્ર, કચ્છ અને સિંઘમાં આવા પ્રકારની રંગાટી થતી હતી, કાળક્રમે ધીમે ધીમે લુપ્ત થઈ છે.
સૌરાષ્ટ્ર – કચ્છની અનેક જ્ઞાતિઓ પ્રમાણે ભરતકામ અલગ અલગ રીતે તરી આવે છે. મુખ્યત્વે જ્ઞાતિ પ્રમાણે સૂતર, હીરઊનનાં અલગ અલગ ભાતો અને રંગોમાં વૈવિધ્ય જોવા મળે છે. જેમ કે ખેડવાયા, માલધારી અને કાંટિયાવરણમાં સફેદ અને પીળો તો કાઠી અને મોચીએ ભરેલા ભરતમાં થોડાક વધારે રંગો જેવા કે કેસરી, બદામી, જાંબલી અને કાળો રંગ જોવા મળે છે. જ્યારે ઉજળિયાતોમાં વાણિયા, દશાશ્રીમાળી, કપોળ, લોહાણા, સોની, જૈન વગેરેમાં ઘરના શણગાર માટે ભરતકામ ભરવામાં આવતું હતું. તેમાં ખાસ કરીને આર્થિક રીતે સમૃદ્ધ હોવાથી મુખ્યત્વે મરૂન, ઘેરો, લીલો, ઘેરો પીળો તેમજ સફેદ હીરનો જ ઉપયોગ થયેલો જોઈ શકાય છે.
લોકભરતમાં અનેક સુશોભનો તેનું સૌંદર્ય મહેકાવે છે. અનેક પ્રાણી, પક્ષીઓનાં પ્રતીકો આ લોકોના ભરતનું નજાકતભર્યું સૌંદર્ય છે. પહેલાંના સમયમાં ભરત ભરનાર નરનારીઓમાં અક્ષરજ્ઞાનનું પ્રમાણ ખૂબ જ ઓછુ હતું તો તેમાં ‘ૐ’ ‘શ્રી’ જેવી માંગલિક સંજ્ઞાઓ ભાગ્યે જ જોવા મળતી હતી, પરંતુ કોઠાસૂઝથી માનવીય જીવનમાં પ્રતિધ્વનિત થતાં વિવિધ પ્રતીકોનું તે મૂર્તિમંત ભરતકામ કરે છે. જેમ કે માતૃત્વ અને ફળવેલ ચલાવનાર 'ઘોડિયું' સાયબી અને સમૃદ્ધિનું પ્રતીક 'વલોણું', પુત્રનું પ્રતીક 'પોપટ’, નરનારીની સુંદરતાનું પ્રતીક 'મોર અને ઢેલ' ઐશ્વર્ય અને શૌર્યનાં પ્રતીક હાથી, ઘોડા, વૃક્ષરૂપ આંબો, વડીલનું પ્રતિક અને વૃક્ષ એ કલ્પવૃક્ષનું પ્રતીક માનીને રજૂ થાય છે. સૂરજ – ચંદર સત્યનાં પ્રતિકો છે તો ‘વીંછી’ જાતીય વૃત્તિનું પ્રતીક ગણાયું છે. અંગ પર પહેરવાનાં વસ્ત્રોમાં સ્ત્રીઓ હાથી, ઘોડો કે દેવ -દેવીઓનું ભરત ભરતી નથી, તેની પાછળનો હેતુ એ છે કે હાથીને તેઓ ગણેશજીનું રૂપ માને છે અને ઘોડો દેવમુનિ મનાયો છે. પુરુષરૂપ કાનજી મા'રાજ અને પૂતળી રિદ્ધિસિદ્ધિ મનાતી હોઈને આવા વસ્ત્રો અંગવસ્ત્ર પર ભરવાનો નિષેધ છે.
છેલ્લી સદીઓમાં કૃષ્ણ અને રામની વૈષ્ણવી ભક્તિએ લોકોને સંસ્કારી અને સૌંદર્યપૂજક તો બનાવ્યા જ છે. શિષ્ટ સમાજ તેમજ ગ્રામસમાજમાં ગીતો, સંગીત તેમજ કલાઓ અને કસબમાં તેની અસર ઠેર ઠેર દેખાય છે. કૃષ્ણ—રાધાને અખંડ રીતે ઉપાસીને તેમજ તેનાં ચિત્રો, પિછવાઈઓ વગેરે કરીને ચિત્રકલામાં કસબ -કારીગરીમાં લોકો વધારે રસ લેતા થયા છે. તો ગ્રામસમાજમાં લોકો નારીઓએ કાન-ગોપીની શ્રદ્ધાન્વિત ભક્તિમાં ઓતપ્રોત થઈને તેને ભરતચીતરમાં ભર્યા અને આલેખ્યા છે. લોકજીવનમાં કાન-ગોપીનાં ભરત ભરાયાં છે. પણ ખૂબ જ સાદી અને સંયમી રીતે તેમાં ક્યાંય ચુંબન, આલિંગન વગેરે શૃંગારિક પ્રસંગો તો ભરાયા જ નથી તેનું કારણ એ જ છે કે ભરતકામ પોતાના ઘેર જ બાંધવાનું હોવાથી બાપ-દીકરી અને મા-દીકરાને સાથે જ જોવાનું હોવાથી તેમાં રાધાકૃષ્ણના નામે ક્યાંય શૃંગારિક ભરત ભરાયું નથી. ગ્રામસંસ્કારે સીંચાયેલું આ ભરત ગ્રામજનતાની ઊર્મિ અને કલાસૂઝને સુંદર રીતે મૂર્ત કરે છે. આવી રીતે સૌરાષ્ટ્ર કચ્છની નરનારીઓની ભરતકલા સૌંદર્યદર્શી લોકરૂપ હૈયાને સ્પર્શી જાય છે. આમ 'ભરતકલા' અનેકતામાં એકરૂપતાનું દર્શન થાય છે ખરું!
પરમ આદરણીય ચંદ્રાબા એ કચ્છની બહેનોને વ્યાવસાયિક ધોરણે તેમની ભરતકલાનો વૈશ્વિક સ્તરે ઊજળો પ્રકાશ પાથર્યો અને અનેક બહેન-દીકરીઓ આ દિશામાં કાર્યરત થઈ પોતાની ભરતકલા દ્વારા જ આર્થિક ઉપાર્જન થકી અતિ ગૌરવ અને આત્મસન્માન સાથે જીવતી થઈ. કચ્છના આહીરોની ભરતકલા આજે દેશના સીમાડા ઓળંગીને વૈશ્વિક બજારમાં ગણનાપાત્ર બન્યું તેનું સંપૂર્ણ શ્રેય, ચંદ્રાબા અને અમીબહેનની દીર્ઘદ્રષ્ટિને ફાળે જાય છે. આ કાર્યનું શ્રૃજન સંસ્થા દ્વારા સુંદર મજાનું દસ્તાવેજીકરણ થયું તે દસ્તાવેજીકરણમાંથી કલાસર્જકો, કલાવિદો, ઈતિહાસવિદો, પુરાતત્ત્વવિદો અને કલાક્ષેત્રે કામ કરવા આગળ વધવા માગતા અનેક કલાસાધકોના કલાજીવનમાં ઉપયોગી બની શકે તેવા શુભ ભાવથી કલાતીર્થ ટ્રસ્ટે કલાગંગોત્રી ગ્રંથ - ૨૮માં “કચ્છના આહીરોનું ભરતકામ" ગ્રંથસ્વરૂપે દસ્તાવેજીકરણ કરવાની સદ્ભાગી તક મળી તેને મારા જીવનની સૌભાગ્યપૂર્ણ ઘટના ગણું છું. આ કાર્યમાં શ્રૃંજન સંસ્થાના પદાધિકારીઓ, આદરણીય ચંદ્રાબા અને અમીબહેન શ્રોફની અમીદ્રષ્ટિ. પૂ. કાંતિકાકા અને ચંદ્રાબાની અનંતચેતનાનું સુખદ સંભારણાનું ઉત્કૃષ્ટ ફળ ગણું છું.
અંગ્રેજી ભાષામાં તૈયાર કરનાર ફીરોઝી અંજીરબાગ અને આ ગ્રંથનો ગુજરાતી અનુવાદ કરી આપનાર ગુજરાતના મૂર્ધન્ય સાહિત્યસર્જક અને કલાતીર્થ ટ્રસ્ટના પરામર્શક મારા પરમ આદરણીય સહૃદયમિત્ર હરેશ ધોળકિયાનો પણ હૃદયપૂર્વક આભાર માની અભિનંદન પાઠવું છું.
કલાતીર્થના પવિત્ર કાર્યમાં હરહંમેશ મારી પડખે ઊભા રહીને પવિત્ર કાર્ય પ્રમાણ્યું છે એવા ક્રાંતિગુરુ શ્યામજી કૃષ્ણવર્મા કચ્છ યુનિવર્સિટી, ભુજ – કચ્છના પૂર્વ કુલપતિશ્રી ડો. કાંતિ ગોર અને સી. વી. એમ. કૉલેજ ઓફ ફાઇન આર્ટ્સ વલ્લભવિદ્યાનગરના માનદ નિયામક, ચિત્રકાર અને કલાસમીક્ષકશ્રી કનુ પટેલનો ખૂબ ખૂબ આભાર માનું છું.
કલાગંગોત્રી ગ્રંથ ભાગ - ૨૮ના નિર્માણમાં બેંકિંગ ક્ષેત્રે વિશ્વસનીયતાનું પ્રતીક ગણાતી આપણી બૅન્ક ધી કાળુપુર કોમર્શિયલ કો-ઓ. બૅન્ક લિ.ના ચૅરમૅનશ્રી અંબુભાઈ પટેલ, સમગ્ર બોર્ડ ઑફ ડિરેક્ટર સાથે કાળુપુર કોમર્શિયલ બૅન્ક પરિવારનો ખૂબ ખૂબ આભાર. સાથે આ પ્રકલ્પમાં મારી સાથે જોડાઈને મને હરહંમેશ પ્રોત્સાહિત કર્યો છે એવા હેલ્થકેર ફાઉન્ડેશન, અમદાવાદના સ્થાપક ચૅરમૅન અને મારા પરમ આદરણીય ડો. ભરત ભગતસાહેબનો આભાર ન માનું તો કેમ ચાલે...!
કલાદેવીની કૃપા આપણા સૌ પર હો અને આપણા બધાની કલા થકી આ મહાગ્રંથની પ્રસાદી કલાની દેવીના ચરણોમાં સાદર સમર્પિત કરું છું. આ પવિત્ર પ્રકાશનકાર્યમાં પ્રત્યક્ષ, પરોક્ષ સહયોગ મળ્યો છે તે સર્વને સ્મરીને આ ગ્રંથ આપ સર્વના કરકમળમાં મૂકતાં હું આનંદ અને ગૌરવની લાગણી અનુભવું છું.
આપ સર્વે સંસ્કૃતિસમૃદ્ધ, કલારસિક, સંસ્કારપ્રિય એવા ગરવા ગુજરાતીઓની સદ્ભાવના, શુભેચ્છાઓ, સહકારથી મને આ પવિત્ર કાર્ય કરવાનું બળ અને પ્રેરણા મળે છે. ભવિષ્યમાં પણ આપ સૌનો સહકાર મળતો રહેવાનો જ છે તેનો મને અતૂટ વિશ્વાસ છે. વધુ ઉન્નત, વ્યાપક, ગહન કલાસેવા કરવાનું મા વાગીશ્વરી બળ આપે તેવી પ્રાર્થના સાથે વિરમું છું. વંદે માતરમ્... જય જય ગરવી ગુજરાત..
તમને આ પણ ગમશે:


તમને આ પણ ગમશે:



