LOKSABHA ELECTION 2024
ઉમેદવારી ફોર્મ ભરવા સંદર્ભે વિવિધ નિયંત્રણો જાહેર કરાયા
*ચૂંટણી અધિકારીની કચેરી આસપાસના ૧૦૦ મીટરના વિસ્તારમાં વધુમાં વધુ ૩ વાહનો સાથે પ્રવેશ કરી શકાશે*
*કચેરીમાં ઉમેદવાર સહીત પાંચ વ્યક્તિ જ દાખલ થઈ શકશે*
*જિલ્લા ચૂંટણી અધિકારી દ્વારા જાહેરનામુ પ્રસિદ્ધ કરાયુ*
લોકસભા સામાન્ય ચૂંટણી – ૨૦૨૪ અન્વયે ત્રીજા તબક્કામાં ગુજરાત રાજ્યમાં તા. ૧૨ એપ્રિલ, ૨૦૨૪ના રોજ ચૂંટણી જાહેરનામુ પ્રસિદ્ધ થશે. જે સાથે ઉમેદવારોના નામાંકનપત્ર ભરવાની કાર્યવાહી શરૂ થવાની છે ત્યારે જિલ્લા મેજિસ્ટ્રેટ કેયુર સંપટ દ્વારા નામાંકન પત્રો ભરવા સંદર્ભે વિવિધ નિયંત્રણો જાહેર કરતુ જાહેરનામુ પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે.
આ જાહેરનામા દ્વારા ચૂંટણી અધિકારીશ્રી/મદદનીશ ચૂંટણી અધિકારીશ્રીની કચેરી આસપાસના ૧૦૦ મીટરના વિસ્તારમાં ઉમેદવારી પત્રો રજૂ કરતી વખતે સાથે આવનાર વાહનો અને વ્યક્તિઓનીં સંખ્યા પર મર્યાદા સહિતનાં જરૂરી નિયમનો મુકવામાં આવ્યા છે.

આ હુકમ અનુસાર ઉમેદવારઓ દ્વારા ઉમેદવારી પત્રો રજૂ કરતી વખતે ચૂંટણી અધિકારી/ મદદનીશ ચૂંટણી અધિકારીની કચેરી આસપાસના ૧૦૦ મીટરના વિસ્તારમાં ઉમેદવાર દીઠ વધુમાં વધુ ત્રણ વાહનો સાથે દાખલ થઈ શકાશે. જ્યારે ચૂંટણી અધિકારી/ મદદનીશ ચૂંટણી અધિકારીની કચેરીમાં ઉમેદવાર સહિત વધુમાં વધુ પાંચ વ્યક્તિઓ જ પ્રવેશ કરી શકશે. અપક્ષ ઉમેદવાર અને બિન માન્યતા પ્રાપ્ત પક્ષના ઉમેદવારોના કિસ્સામાં પણ ચૂંટણી અધિકારી/મદદનીશ ચૂંટણી અધિકારીની કચેરીમાં ઉમેદવાર ઉપરાંત બીજી ચાર વ્યક્તિઓ એમ કુલ પાંચ વ્યક્તિઓ જ દાખલ થઈ શકશે.
પરંતુ કોઈ કારણસર દરખાસ્ત મુકનાર બીજા મતદારોને પણ ચૂંટણી અધિકારી/મદદનીશ ચૂંટણી અધિકારીની કચેરીમાં દાખલ થવું જરૂરી થાય તો પહેલા ચાર મતદારો બહાર નીકળે પછી બીજા મતદારો અંદર પ્રવેશ કરી શકશે. આ હુકમનું ઉલ્લંઘન કરનાર ભારતીય ફોજદારી ધારાની કલમ – ૧૮૮, લોક પ્રતિનિધિત્વ અધિનિયમ – ૧૯૫૧ તેમજ ચૂંટણી સંચાલન નિયમો મુજબ શિક્ષાપાત્ર ઠરશે.