સમાચાર સારાંશ: ચોમાસાએ મધ્ય ગુજરાતમાં દસ્તક દીધી
મેઘરાજાએ રાત્રે એકના ટકોરે અમદાવાદીઓને ઠંડક આપી અમદાવાદમાં વરસાદની કડાકા ભડાકા સાથે એન્ટ્રી
ચોમાસાએ મધ્ય ગુજરાતમાં દસ્તક દીધી છે. ત્યારે અમદાવાદ જિલ્લામાં રાત્રે હળવા વરસાદી ઝાપટાં વરસ્યા હતાં. જેને લઈ વાતાવરણમાં ઠંડક પ્રસરતા જિલ્લાવાસીઓએ આકરી ગરમીમાંથી રાહત અનુભવી છે.
અમદાવાદ જિલ્લામાં સોમવારે સવારથી વાદળછાયું વાતાવરણ રહ્યું હતું સખત બફારો અને ગરમીનો પારો બંનેથી પરેશાન જિલ્લાવાસીઓએ ગરમીમાંથી આંશિક રાહત મેળવી હતી. વાદળછાયા વાતાવરણ વચ્ચે આગામી ત્રણ દિવસ દરમિયાન જિલ્લામાં વરસાદની જમાવટ થશે તેવી સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે.
બીજી તરફ વરસાદના આગમનની કાગડોળે વાટ જોઈ રહેલા ધરતીપુત્રો પણ ખેતીકામમાં વ્યસ્ત બન્યા છે.
ચાલુ વર્ષે જૂન માસના પ્રથમ સપ્તાહમાં મેઘરાજાની જમાવટ થશે તેવી સંભાવના હતી. જો કે, દક્ષિણ ગુજરાતમાં ચોમાસાએ દસ્તક દીધા બાદ ચોમાસાનું જોર નબળું પડયું હતું. જેને લઈ મધ્ય ગુજરાતમાં ચોમાસાની શરૂઆતમાં વિલંબ થયો હતો. જૂન માસના બીજા સપ્તાહ સુધીમાં પણ વરસાદ ન વરસતા આકરી ગરમી વચ્ચે લોકો હેરાન થયા હતા. બાફ-ઉકળાટભર્યા વાતાવરણ વચ્ચે જિલ્લાવાસીઓએ આકરી ગરમીનો અનુભવ કર્યો હતો. જો કે, રવિવારના રોજથી સિસ્ટમ પુનઃ સક્રિય થતા ચોમાસું આગળ વધ્યું છે. અમદાવાદ શહેર અને ગ્રામ્યમાં ઠેર ઠેર સામાન્ય વરસાદી ઝાપટા વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી.હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, બનાસકાંઠા, દાહોદ, મહીસાગર, નર્મદા, અરવલ્લી, તાપી, વલસાડ, ડાંગ, દાહોદ, દમણ, દાદરા નગર હવેલી અને કચ્છમાં આગામી ત્રણ કલાકમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.
ગાંધીનગર, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, સુરત, નવસારી, સુરેન્દ્રનગર અને રાજકોટમાં સામાન્ય વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. જ્યારે જામનગર, પોરબંદર, જુનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ અને બોટાદમાં પણ આગામી ત્રણ કલાકમાં વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. છેલ્લા બે દિવસની સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં મેઘરાજા તોફાની બેટિંગ કરી રહ્યા છે.
હવામાન વિભાગે રાજ્યમાં આગામી સાત દિવસ માટે ભારે વરસાદની આગાહી કરી છે. જેમાં ચાર જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે.
ગુજરાતમાં ચોમાસું આગળ વધતાં અનેક જિલ્લાઓમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. સૌરાષ્ટ્ર, ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે.
તમને આ પણ ગમશે:


તમને આ પણ ગમશે:



