સમયની સુંદરતાને કેમેરામાં કંડારી એને સર્વભોગ્ય રૂપ આપનાર અનુપમ તસવીરી કલાકાર શ્રી પ્રાણલાલ પટેલ
કેમેરામાં ઝડપાતી ક્ષણ તો થઈ જાય, સ્થિર થઈ જાય, તસવીર કલાકારે જે કંઈ ક્ષમતા સિદ્ધ કરવાની છે તે તો ક્ષણને ઝિલ્યા પહેલાની. પ્રક્રિયા પછી સામે આવતી તસ્વીર તો સ્થિર હોય છે. એમાં સમય, સ્થળ, સ્થિતિ, ગતિ કે જે કંઈ હોય તે તો સ્થગિત થઈ ગયેલું હોય.. કિન્તુ, તસવીર કલાકાર એ છે જે સ્થગિત કૃતિમાં ગતિશીલતા, જીવંતતા, લવ ચિકતા, રૂપાંતરણને બહેલાવીને બહુ આયામી પ્રાણ પ્રતિષ્ઠા કરી શકે. શ્રી પ્રાણલાલ પટેલની અદ્ભુતરસિક, વ્યાપક કલાસંદર્ભ ધરાવતી કૃતિઓને જોઈએ એટલે રસાનંદમયી સૌંદર્યની ગતિશીલતા અનુભવાય..
સમયની સુંદરતાને કેમેરામાં કંડારી એને સર્વભોગ્ય રૂપ આપનાર અનુપમ તસવીરી કલાકાર શ્રી પ્રાણલાલ પટેલ.. એમના માટે 'કલાકાર' શબ્દ જ શોભે. ભલે એમનું માધ્યમ અલગ રહ્યું પણ આઠ દાયકાથી વધારે સમય સુધી એમણે સમગ્ર વિશ્વમાં કલાકૃતિઓનો અદ્ભુત ફાલ ઊતાર્યો છે એમની આ કલાયાત્રા સુંદર દીર્ઘ છે એટલું જ નહીં સુ સમૃદ્ધ પણ છે એમ જોનાર સર્વને અવશ્ય પ્રતીતિ થાય છે...
પ્રાણલાલ પટેલ(૧૯૧૦-ર૦૧૪)નું ૧૦પ વર્ષનું દીર્ઘાયુ, એમાંથી આશરે ૮પ વર્ષ સુધી એમણે સતત તસવીરકલાની આરાધના કરી છે. ભારતીય કલાક્ષેત્રે નોંધનીય અને સમૃદ્ધ પ્રકરણ બની રહે છે પ્રાણલાલ પટેલ.
કલા તરીકે ભારતમાં ફોટોગ્રાફી જ્યારે ઊભરી રહી હતીએ સમયગાળામાં તો પ્રાણલાલ પટેલે પ્રશસ્ય કૌશલ સિદ્ધ કરી લીધું હતું. તેઓ આજન્મ કલાકાર. વિષયનાવીન્ય, તક્નિક, સ્થળવૈવિધ્યની રીતે એમની કલા અચંબો જન્માવે તેવી છે. આજથી ૧૦૦ વર્ષ પહેલાં જ્યારે સારા કૅમેરા મળવા મુશ્કેલ હતા એ જમાનામાં એમણે નિજી સૂઝ અને પ્રતિભા થકી કૅમેરા પાસેથી આશ્ચર્યજનક, મહત્તમ કાર્ય લીધું છે. ઍરિયલ વ્યૂ, લૉંગ શૉટ, વાઈડ ફ્રૅમ, પર્સેપ્શન, કંપોઝિશન, લાઈટ-શૅડો, કૅરેક્ટર, સ્ટીલ લાઈફ, લૅન્ડ સ્કૅપ ઈત્યાદિની દૃષ્ટિએ એમણે નોંધનીય સફળતા હાંસલ કરીને તસવીરકલાને ખૂબ ઊંચાઈ પર મૂકી આપી.
વ્રજ ઈત્યાદિ વૈવિધ્યપરક સ્થળો, કાશ્મીર (ઈ.સ. ૧૯૪૦) ઈત્યાદિ પ્રવાસો,ઐતિહાસિક સમૃદ્ધિ ધરાવતાં વિવિધ પ્રકારનાં સ્મારકો, ગાંધીજી-નહેરુ-સરદાર પટેલ સહિતના અનેક મહાનુભાવોની લાક્ષણિક મુદ્રાઓ, અમદાવાદ શહેરની એંશી-નેવું વર્ષ પહેલાંની સ્થિતિ, ગ્રામજીવન, શહેરીજીવન, અનેક પ્રકારની વિવિધા ધરાવતાં પાત્રો, નારીચેતના, મેળાઓ, આદિવાસીજીવન, સાગરજીવન, પશુ-પક્ષીઓની સૃષ્ટિ, વિશિષ્ટ ધંધાકીય વિવિધા ધરાવતા લોકો, કલાવારસો ઈત્યાદિની અત્યંત સમૃદ્ધ, વૈવિધ્યપરક કલાસંપદા તેઓએ ધરી છે. એ સર્વનું કલાકીય મૂલ્ય ખૂબ છે. સ્થળ, પ્રસંગ, પાત્ર, પરિસ્થિતિ, સમયરંગ ઈત્યાદિ જીવંત બનીને ધબકે છે.
પ્રકૃતિનાં તમામ અંગો સાથે સંકળાયેલું માનવજીવન એક પ્રકારની સાહજિક આભા રચે છે. ગત સમયની અનેક નોખી-નિરાળી મુદ્રાઓ પ્રાણલાલ પટેલે સ્થગિત કરી દીધી તસવીરરૂપે, કિન્તુ એ જડ નહિ, ચેતનવંતી લાગે છે. તસવીરમાં રહેલી બહુપરિમાણીય સૃષ્ટિ અને જીવંતતા એ પ્રાણલાલ પટેલની તસવીરકલાના પ્રશસ્ય ગુણો છે.
કલાતીર્થના અધ્યક્ષ રમણીક ઝાપડિયાએ જણાવ્યું કે પ્રાણલાલ પટેલની કલાકાર તરીકેની પ્રસિદ્ધિ ભારત બહાર પણ વિસ્તરેલી. ગુજરાતના આ કલાકાર ભારતભરનાં દૈનિકપત્રો, સામયિકોનાં પૃષ્ઠો પર ચમકતા રહેતા. એમની તસવીરો 'ઈલસ્ટ્રેટેડ વીકલી' જેવાં અનેક માતબર પત્રોમાં પ્રકાશિત થતી. ભારતના પ્રસિદ્ધ સ્થપતિઓ એમની તસવીરોનો ઉપયોગ કરતા. અપાર પ્રદર્શનો, પાર વગરનાં ઈનામો. માન-અકરામની શ્રેષ્ઠ ઘડીઓ પણ જોઈ એમણે. બધે જ પોંખાયા, સમ્માન પ્રાપ્ત કર્યાં.
પ્રાણલાલ પટેલની તસવીરલકલાકાર તરીકેની અનેક સિદ્ધિઓ છે. આજે સો વર્ષ પછી પણ એમની તસવીરો એટલી જ જીવંત લાગે છે, મનભાવન લાગે છે. ભારતના બદલાતા પ્રવાહોની લાંબી તેમજ પરિવર્તિત સૃષ્ટિ જેટલી એમણે ઝીલી છે, તેવી બહુ ઓછા કલાકારોએ ઝીલી છે. કલાની સમાંતરે જ ઈતિહાસ, સંસ્કૃતિ, વારસા અને જનચેતના સંદર્ભે એમણે જે કાર્ય કર્યું છે તે કાબિલેદાદ છે. પ્રાણલાલ પટેલ સાચા અર્થમાં તસવીરકલાના પ્રાણ છે, શાશ્વતીને સમયાતીત ધબકાર આપનાર કસબી છે. પ્રસ્તુત ગ્રંથમાં તેઓની કલાકીય સમગ્રતાને આવરી લેતી સૃષ્ટિની વિશેષતાઓ દર્શાવવાનો નમ્ર પ્રયાસ કરવામાં આવ્યો છે .
વર્ષોની સાધનાથી એકત્રિત થયેલી કલા સામગ્રીમાંથી તારવીને 296 પેજનું દસ્તાવેજકરણ કરવામાં ગુજરાતના સુપ્રસિદ્ધ તસવીરકાર અને સુપુત્ર આનંદ પટેલે ખૂબ જ જહેનત ઉઠાવીને મજબૂત તસવીરો તારવી આપી એ માટે તેમનો અત્યંત આભારી છું ગુજરાતના સુપ્રસિદ્ધ લેખક, સંશોધક અને કલાસમીક્ષક નિસર્ગ આહીરની મહેનત રંગ લાવી છે.
પ્રાણલાલ પટેલના જીવન રંગો ને શબ્દદેહ આપીને ગુજરાતના તસવીરકલા જગતને નવો ઊઘાડ કરી આપ્યો છે.. તસવીર કલાક્ષેત્રે કાર્ય કર્તા અનેક કલાસાધકોમાં પ્રાણલાલ પટેલ.... પ્રેરક ,પ્રોત્સાહક અને માર્ગદર્શક બનશે તેની મને આત્મશ્રદ્ધા છે હર હંમેશ મારા કાર્યને બિરદાવીને હુંફ પૂરી પાડી છે એવા આંતરરાષ્ટ્રીય શિલ્પ સર્જક અને તસ્વીકાર રાઘવ કનેરીયા અને રાજકોટના સુપ્રસિદ્ધ આર્કિટેક અને તસવીરકાર સુરેશભાઈ પટેલનો વિશેષ આભારી છું
ભાવપુષ્પ અર્પણ કરીને આ કાર્યને પૂર્ણતા બક્ષી છે એવા ભામાશાઓના ચરણ વંદન કરીને આભારની લાગણી વ્યક્ત કરું છું આજના શુભદિને ગરવી ગુજરાતના સિદ્ધહસ્ત કલા સાધકોના કરકમળમાં કલાગંગોત્રી- ગ્રંથ 16 અર્પણ કરીને ધન્યતા અનુભવું છું.. આપણને સૌને માં શારદા વધુ ઉન્નત, વ્યાપક ,ગહન સેવા કરવાનુ બળ આપે અને કલા વિશ્વ વિચાર બને તેવી પ્રાર્થના સાથે વિરમું છું...