સમાચાર સારાંશ: Report Jayesh Modi jamkhambhalia ૨૩મું સાંસ્કૃતિક વન હરસિધ્ધિ વન બનશે
દેવભૂમિ દ્વારકા જિલ્લાનું નજરાણુ આઠમી ઓગસ્ટના રોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે ગાંધવી (હર્ષદ) ખાતે વન મહોત્સવ અને સાંસ્કૃતિક વનનું લોકાર્પણ કરશે
હરસિધ્ધિ વન પ્રવાસીઓ માટેનું નવું નજરાણુ
૨૩મું સાંસ્કૃતિક વન હરસિધ્ધિ વન બનશે
છોડમાં રણછોડની વાત આપણી સંસ્કૃતિમાં પ્રચલિત છે. આપણા શાસ્ત્રો, ધર્મગ્રંથોમાં પ્રકૃતિના સંરક્ષણની વાત કરવા આવી છે. ઋષિમુનિઓ ઇકોલોજિકલ બેલેન્સના મહાત્મ્યને અદભુત રીતે સમજતા હતા અને એટલે જ દરેક ફળ, ફૂલ, છોડ, વૃક્ષ, નદી, પર્વત, સાગર, અને પશુ-પંખીનું ધાર્મિક અને સામાજિક મહત્વ હતું. વેદો, પુરાણો, ઉપનિષદો જેવા પૌરાણિક ગ્રંથોમાં માનવ સમાજ અને વૃક્ષો વચ્ચેના સંબંધોનો નિર્દેશ જોવા મળે છે.
હાલમાં સમગ્ર વિશ્વ માટે આબોહવાકિય પરિવર્તનનો વિકટ પ્રશ્ન ઉપસ્થિત છે ત્યારે આ સમસ્યાનો ઉકેલ મહત્તમ વૃક્ષો ઉછેરી, પર્યાવરણીય સમતુલા જાળવાઇ તે સુનિશ્ચિત કરવાનો છે. પૃથ્વીને હરીયાળી બનાવવા તથા પ્રકૃત્તિના જતન માટે વનો અને વૃક્ષોનું સંવર્ધન કરવું ખૂબ જ આવશ્યક છે.
આ પવિત્ર હેતુ માટે રાજ્યમાં દર વર્ષે ‘વનો અને વૃક્ષોના ઉત્સવ’ એટલે કે ‘વન મહોત્સવ’ની ઉજવણી કરવામાં આવે છે. ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને હાલ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના દૂરંદેશી નેતૃત્વમાં વર્ષ ૨૦૦૪માં સાંસ્કૃતિક વન નિર્માણની શરૂઆત થઈ હતી.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ‘એક પેડ મા કે નામ’ અભિયાનને સફળ બનાવવા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં આગામી તા. ૦૮-૦૮-૨૦૨૪ના રોજ દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુર તાલુકાના ગાંધવી (હર્ષદ) ગામ ખાતે આવેલા પૌરાણિક તથા ઐતિહાસિક મહત્વ ધરાવતા હરસિધ્ધિ માતા મંદિર ખાતે આ વર્ષે ‘૭૫મો વન મહોત્સવ’ યોજાશે અને ૨૩માં સાંસ્કૃતિક વન ‘‘હરસિધ્ધિ વન’’નું લોકાર્પણ કરશે.
સૌરાષ્ટ્રની ભાતીગળ સંસ્કૃતિની ઝલક દર્શાવતી ‘સૌરાષ્ટ્રની સુગંધ’ થીમ સાથે સાંસ્કૃતિક "હરસિધ્ધિ વન”માં નવા અભિગમ સાથે પ્રવાસીઓને અનેક આકર્ષણો જોવા મળશે.
દ્વારકા-સોમનાથ સાંસ્કૃતિક કોરીડોરની મધ્યમાં આવેલ આ વન લોકોને મોટી સંખ્યામાં આકર્ષિત કરશે. તેમજ નેશનલ હાઇ-વે ૫૧ ના મુખ્ય માર્ગથી ૨ કી.મી. દુર હોવાથી લોકોનો પ્રવાસ પણ સુગમ રહેશે. આ વનમાં મુખ્ય દ્વાર, પ્રવેશ ૫રિસર, હરસિધ્ધિ માતાજી સાંસ્કૃતિક વાટીકા, સેરેમોનીયલ ગાર્ડન, શ્રી કૃષ્ણ ઉ૫વન, શ્રી કૃષ્ણ કમળ વાટીકા વગેરે જેવા સાંસ્કૃતિક આકર્ષણોનું નિમાર્ણ કરવામાં આવ્યું છે.
આ વનમાં મુખ્ય વન તરીકે સ્વાગત વાટીકા, આયુષવન, વન કવચ, વાઇલ્ડ લાઇફ ઝોન, તાડ વાટીકા, ૫વિત્ર ઉ૫વન, સ્ટોન મેઝ ગાર્ડન, સ્ટોન થેરાપી વોક વે, ગુગળ વન, કેકટસ વાટીકા વગેરે જેવા વનોનું નિમાર્ણ કરવામાં આવ્યુ છે.
આ ઉપરાંત બાળ વાટીકા, સેલ્ફી પોઇન્ટ ગાર્ડન, બીચ થીમ સીટીંગ એરીયા, મેડીટેશન, ગઝેબો, સનસેટ પોઇન્ટ પ્રવાસીઓને આકર્ષીત કરશે. પર્યટકોની સુગમતા ધ્યાને લઇ પાર્કીગ એરીયા, ટોયલેટ અને પીવાના પાણી, રોપા વેચાણ કેન્દ્ર જેવી જન સુવિધાઓ ઉભી કરવામાં આવી છે.
આ વનમાં સ્થાનિક પ્રજાતિના વૃક્ષો જેવા કે વડ, પીપળો, પ્રાગ વડ, દરિયાકાંઠે ઉછરી શકે તે માટે તેને અનુરૂપ રોપાઓ પીલુ, નાળીયેર, બદામ, અરણી વગેરે વૃક્ષો પણ ઉછેરવામાં આવેલા છે. વનમાં વિવિધ પ્રજાતિના અંદાજિત ૪૧૬૧૯ રોપાઓનું વાવેતર કરવામાં આવ્યુ છે.
તમને આ પણ ગમશે:


તમને આ પણ ગમશે:



