સમાચાર સારાંશ: ભીંતચિત્રોમા શ્રી કૃષ્ણના જીવનચરિત્રની અલૌકિક યાત્રા
કલાતીર્થ ટ્રસ્ટ દ્વારા ભીંતચિત્રોમાં કૃષ્ણચરિત્ર કલાગ્રંથનું માઆદ્યશક્તિના અનુષ્ઠાનના પાવન પર્વના રૂડા અવસરે કરાયું પ્રકાશન
● પ્રકાશન : કલાતીર્થ ટ્રસ્ટ

● કલાગંગોત્રી- ગ્રંથ : 22
● ભીંતચિત્રોમાં કૃષ્ણચરિત્ર
● લેખક: પ્રદીપ ઝવેરી | અનુવાદ: ડૉ.પૂર્વી ગોસ્વામી
ભીંતચિત્રોમા શ્રી કૃષ્ણના જીવનચરિત્રની અલૌકિક યાત્રા
Life of krishna Depicted On Wall Painting
વસુદેવસુતમ દેવમ કંસચારુણમર્દનમ, |
દેવકી પરમાનંદમ કૃષ્ણમ વંદે જગતગુરુમ.||
કૃષ્ણ ભક્તિ એ સનાતન ધર્મનું એક અભિન્ન અંગ છે જે ભારતીય ઉપખંડની વિવિધ કલાઓમાં પ્રદર્શિત થયું છે. કૃષ્ણ એ વિષ્ણુના અવતાર રૂપે સદીઓથી ભારતીય ઉપખંડમાં લાખો લોકો માટે આસ્થાનું કેન્દ્ર છે. ભાગ્યે જ કોઈ ઐતિહાસિક અથવા પૌરાણિક વ્યક્તિ હશે જે ભારતીય સાંસ્કૃતિક જીવનમાં મહદ પ્રભુત્વ ધરાવતી હશે. કૃષ્ણ, તેમની લીલાઓ વડે ભક્તોને આકર્ષિત કરી તેઓમાં ભક્તિરસ પ્રગટાવતા, કૃષ્ણ સૌથી વધુ લોકપ્રિય છે અને લોકોના હૃદયની સૌથી નજીક છે. આ લીલાઓ વિવિધ કલાઓમાં વિવિધ રૂપે અને વિપુલ પ્રમાણમાં દર્શાવવામાં આવી છે, ખાસ કરીને વિવિધ શૈલીઓના લઘુચિત્રોમાં તેને અધિક પ્રમાણમાં દર્શાવવામાં આવી છે. આ ઉપરાંત મંદિરો, મહેલો અને અન્ય સ્થળોની દિવાલો પર બનાવવામાં આવેલા ચિત્રોમાં પણ જોવા મળે છે.
કલાતીર્થના અધ્યક્ષ રમણીક ઝાપડિયાએ આ કલાગ્રંથ વિષે જણાવતા કહ્યું કે વિવિધ શૈલીઓના લઘુચિત્રમાં કૃષ્ણ જીવનચરિત્ર દર્શાવાયુ છે, તેના પર ઘણા નિષ્ણાતો, લેખકો અને વિવેચકો દ્વારા ગ્રંથો લખાયા છે અને પ્રકાશિત પણ કરવામાં આવ્યા છે, તેમ છતાં ભાગવત પુરાણના દસમા અધ્યાય સહિત વિવિધ પુરાણોમાં વર્ણવેલ કૃષ્ણ જીવનચરિત્રનું ભલે વિવિધ જગ્યાએ દિવાલો ઉપર પ્રદર્શિત કરવામાં આવ્યું હોય પરંતુ તેની નોંધ સંતોષકારક રીતે લેવાઈ નથી. કૃષ્ણની વિવિધ લીલાઓ, જે ભારતીય કલાકારો માટે પ્રેરણાનો મહાન સ્રોત છે, તેને આધારિત ભીંતચિત્રોનો આ સંગ્રહ ઐતિહાસિક અને સંસ્કૃતિક સંદર્ભમાં કૃષ્ણજીવન ચરિત્રને દર્શાવે છે.
રાજસ્થાન અને ગુજરાતના રાજ્યોના ઘણા સ્થળોએ દર્શાવવામાં આવેલા આ ભીંતચિત્રો કૃષ્ણના બાળપણના જીવનની અને ત્યારબાદ એક ગોવાળ તરીકેની તેમની કિશોરાવસ્થા દર્શાવે છે. આ ઉપરાંત ગોપીઓ અને ખાસ કરીને રાધા સાથેના તેમના સંબંધોને ભીંતચિત્રોમાં દર્શાવવામાં આવ્યા છે.
આપણે સૌ વિદ્વાનો અને સંશોધકોનો ઋણી છીએ, જેમણે અગાઉ ભારતની વિવિધ શૈલીઓના લઘુચિત્રોમાં કૃષ્ણ ચરિત્ર પર સંશોધન કર્યું છે અને જેમના સંશોધનોએ આપણને માર્ગદર્શન આપ્યું છે.
બંને રાજ્યોના ભીંતચિત્રો કે જે કૃષ્ણ જીવન ચરિત્રનું પ્રતિનિધિત્વ કરે છે તે તમામ વિસ્તારોને અવારવા ભૌતિક રીતે અશક્ય હોવાથી દસ્તાવેજીકરણ માટે શક્ય તેટલી વધુ જગ્યાઓ શોધવાનો અને આ ગ્રંથમાં સમાવવાનો પ્રયાસ કર્યો છે. આ ભીંતચિત્રો ભલે ઉચ્ચતમ શ્રેષ્ઠતા ધરાવતા ન હોય પરંતુ તે લોકોના સામાજિક અને સાંસ્કૃતિક જીવનની વિગતવાર ઝલક આપતા હોવાથી તેનું મહત્વ અનેકગણુ વધી જાય છે.
રાજસ્થાનમાં દિવાલો પર ચિત્રો દોરવાની પરંપરા હજુ પણ જીવંત છે. તે તહેવારો દરમિયાન અને પરિવારમાં શુભ પ્રસંગોએ, મંદિરો અને ઘરોની બહારની દિવાલોમાં ઉપર કરવામાં આવે છે. જો કે ગુજરાતમાં આ પ્રકારના ભીંતચિત્રો બનાવવાની કળા લુપ્ત થઈ ગઈ છે. ભીંતચિત્રો હજુ પણ ગુજરાતના ઘણા વિસ્તારોમાં જોવા મળે છે પરંતુ તે કલા પ્રેમીઓમાં વ્યાપકપણે જાણીતા નથી અને તેને પ્રસિદ્ધિમાં લાવવાના પ્રયાસો પણ નહિવત છે.
આ ગ્રંથનો મુખ્ય ઉદ્દેશ્ય કૃષ્ણના જીવનને ભારતીય કલામાં ખાસ કરીને ભીંતચિત્રોમાં દર્શાવ્યા પ્રમાણે રજૂ કરવાનો છે. કૃષ્ણનું જીવન અને તેમના ઉપદેશોએ ભારતીય લોકોમાનસ પર ભારે પ્રભાવ પાડ્યો છે અને તે માત્ર સંતો અને ભક્ત, કવિઓ પૂરતા સીમિત ન રહેતા કલાકારોમાં પણ લોકપ્રિય બન્યું.
રમણીક ઝાપડિયા આ ગ્રંથ વિષે જણાવે છે કે કૃષ્ણલીલા જે પારંપરિક અને લોકભોગ્ય ભીંતચિત્ર કલાના માધ્યમ દ્વારા ભૂતકાળમાં પ્રદર્શિત થઈ છે તેને કલારસિકો સમક્ષ ગ્રંથના માધ્યમ દ્વારા રજૂ કરતા હું આનંદની લાગણી અનુભવું છું. આ કલાગંગોત્રી ગ્રંથ 272 પુષ્ટે 509 જેટલી સપ્તરંગી તસવીરો સાથે ભવ્યતા અને દિવ્યતા પામ્યો છે.
પ્રસિદ્ધ તસવીરકાર અને કચ્છ મુન્દ્રાના વતની પ્રદીપ ઝવેરીના મૂળ અંગ્રેજીમાં લખાયેલ આ ગ્રંથને માતૃભાષા ગુજરાતીમાં ભાવાનુવાદ કરી કલા રસિકો સમક્ષ મૂકવા માટે ડો. પૂર્વી ગોસ્વામીનો આભાર પ્રગટ કરું છું કલાતીર્થની પ્રવૃત્તિને હરહંમેશ પ્રમાણી, મારી પીઠ થાબડીને મારા કાર્યને પ્રમાણિત કર્યું છે એવા ભુજના વરિષ્ઠ પત્રકાર અને કચ્છમિત્રના પૂર્વતંત્રી કિર્તીભાઈ ખત્રી અને સુપ્રસિદ્ધ સાહિત્યસર્જક, વરિષ્ઠ પત્રકાર અને કચ્છમિત્રના તંત્રી દિપક માંકડ-ભુજનો ખૂબ ખૂબ આભારી છું.. મારા પરમ આદરણીય અને ગુજરાત પોલીસ બેડાના પૂર્વ આઈ.જી. હરિકૃષ્ણ પટેલ સાહેબનો આભાર માનવાનુ કેમ ભૂલી શકું..? આ કલાગંગોત્રી ગ્રંથ- 22 ના નિર્માણ કાર્યમાં ભાવપુષ્પ અર્પણ કરીને સહયોગી બનેલા સુરતના ગજેરા પરિવારના મોભી સ્વ મોંઘીબા ગોરધનભાઈ ગજેરાની ચેતનાને વંદન કરું છું. મારા પરમ આદરણીય અગ્રણી ઉદ્યોગપતિ નાથાલાલ ગજેરા અને ગજેરા પરિવારનો હરખના હેતથી આભાર માની પ્રેમાદર વ્યક્ત કરું છું.
કલાદેવીની કૃપા આપણા સૌ પર હો અને આપણા બધા થકી આ મહાગ્રંથની પ્રસાદી કલાદેવીના ચરણોમાં સાદર સમર્પિત કરું છું. આ પવિત્ર પ્રકાશનના કાર્યમાં પ્રત્યક્ષ, પરોક્ષ સહયોગ મળ્યો છે તે સર્વને સ્મરીને આ ગ્રંથ મા આદ્યશક્તિના અનુષ્ઠાનના પાવન પર્વના રૂડા અવસરે આપ સર્વના કરકમળમાં મૂકતા હું આનંદ અને ગૌરવની લાગણી અનુભવું છું.. ખુબ ખુબ આભાર સહ વંદન.. વંદે માતરમ્... જય જય ગરવી ગુજરાત.
તમને આ પણ ગમશે:


તમને આ પણ ગમશે:



