રાજકોટ બેઠક પરના લોકસભા ઉમેદવાર પરશોત્તમ રૂપાલાના ક્ષત્રિય સમાજ અંગેના નિવેદન બાદથી સમગ્ર ગુજરાતમાં ક્ષત્રિયો વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. વિવાદ વકરતા જ રૂપાલાએ ક્ષત્રિય સમાજની બે વખત માફી માંગી હતી.
આમ છતાં ક્ષત્રિય સમાજનો રોષ યથાવત્ જોવા મળતા ભાજપ ડેમેજ કંટ્રોલ કરવા મથામણ કરી રહ્યું છે. આજે (3 એપ્રિલે) અમદાવાદના ગોતામાં રાજપૂત સમાજના ભવન ખાતે ક્ષત્રિય આગેવાનો અને ભાજપ નેતાઓ વચ્ચે બેઠક યોજાઈ હતી. જો કે આ બેઠક નિષ્ફળ રહી છે.
ક્ષત્રિય સમાજ ભાજપ પાસે રૂપાલાની બેઠક રદ કરવાની માગ પર અડગ છે. રૂપાલાને માફ કરવા ક્ષત્રિય સમાજ તૈયાર નહીં. ક્ષત્રિય સંકલન સમિતિના નેતાઓએ ભાજપ નેતાઓ સમક્ષ રૂપાલાની ટિકિટ રદ કરવા અંગે ઉગ્ર રજૂઆતો કરી હતી.
હવે યુદ્ધનું મેદાન રાજકોટ નહીં પરંતુ સમગ્ર ગુજરાત રહેશે : કરણસિંહ ચાવડા
બેઠક બાદ ક્ષત્રિય સંકલન સમિતિએ પ્રેસ કોન્ફરન્સ કરી હતી. જેમાં કરણસિંહ ચાવડાએ કહ્યું કે, \'આ અમારી નેતાઓ સાથે છેલ્લી બેઠક હતી. હવે રૂપાલાને હટાવવા અંગે કોઈ બેઠક થશે નહીં. આ યુદ્ધનું મેદાન છે, હવે મેદાન માત્ર રાજકોટ નથી સમગ્ર ગુજરાત રહેશે. ગુજરાતમાં 75 લાખ અને દેશભરમાં 22 કરોડ રાજપૂત છે. ભાજપ માટે રુપાલા મહત્વના છે કે રાજપૂત સમાજ? આ આંદોલન માત્ર રુપાલા સામે જ છે. જો રૂપાલાની ઉમેદવારી રદ નહીં થાય તો ગુજરાતની તમામ 26 સીટો પર અસર દેખાશે. અમારા 400 ભાઈ-બહેન અપક્ષમાં ઉમેદવારી કરશે. ક્ષત્રિયોના સન્માન સાથે કોઈ બાંધછોડ નહીં થાય. આવતીકાલે સાંજે પાંચ વાગ્યા સુધીમાં રૂપાલા ટિકિટ પરત ખેંચે. આગામી સમયમાં પોસ્ટર, બેનર, વિરોધ પ્રદર્શન સહિતની રણનીતિ ઘડવામાં આવશે.