સમાચાર સારાંશ: છેલ્લા કેટલાક સમયથી બોર્ડ અને યુનિવર્સિટીના પરિણામો ઘણા ઊંચા આવે છે. શાળા અને કોલેજમાં કામ થાય છે તે પરિણામને આધારે નક્કી કરવામાં આવે છે.
અધધધ.... બોર્ડનું પરિણામ... ખુશી ખુશી
શિક્ષણમાં ગુણવત્તાનો વધારો થયો છે એમ માનવું રહ્યું. પણ આપણે સૌ જાણીએ છીએ કે પરિણામ દિનપ્રતિદિન કેમ આટલા બધા ઊંચા આવે છે. પહેલા ફાઇનલ પાસ થનાર વિદ્યાર્થીઓ પાસે જે જ્ઞાન હતું તે શું આજે છે ખરું.? મેટ્રિક પાસ થનારા વિદ્યાર્થીઓ પાસે જે કાર્ય કરવાની ક્ષમતા હતી તે ખરી? પણ સાથે સાથે તે બાબત પણ સ્વીકારવી જોઈએ કે આજના વિદ્યાર્થીઓ ખૂબ સ્માર્ટ છે, ટેકનોલોજીના યુગમાં તેમની પાસે ઘણી સારી એવી આવડત છે તે પણ સ્વીકાર કરવો જોઈએ. આજનો વિદ્યાર્થી અપડેટ અને અપટુડેટ છે. કોમ્પ્યુટર યુગમાં નેટ અને ગૂગલ ના જમાનામાં ઘણું બધું જ્ઞાન ધરાવે છે. તેની પાસે અનેક સ્ત્રોત છે જેના દ્વારા જ્ઞાન મેળવી લે છે. આજથી 50 વર્ષ પહેલાં બોર્ડના આટલા ઊંચા પરિણામ આવતા ન હતા. કોઈ પણ પરિક્ષામાં ગેરરીતિઓનો અવકાશ ન હતો.
શિક્ષકોની ફરજ પ્રત્યેની નિષ્ઠા ઊંચી હતી, ભલે તેમણે અભ્યાસ દરમ્યાન ઊંચી ટકાવારી ન હતી. શિક્ષકોનો પ્રભાવ હતો. પણ વચ્ચે એક એવો સમય આવ્યો જેમાં આપણે સ્વીકારવું રહ્યું કે શિક્ષણમાં અકલ્પનીય ગેરરીતિઓ આચરવામાં આવી હતી. ખુલ્લેઆમ પરિક્ષામાં ચોરીઓ ચાલી જેમાં બધા સામેલ હતા કોઈ એકને દોષ ન દઈ શકાય, બધાને ગમતું હતું અને ચાલતું હતું જાણે સ્વીકારી લીધી બાબત હતી કે પરીક્ષામાં ચોરી કરીએ તોજ ટકા આવે, આવું ઘણા વર્ષ ચાલ્યું પણ કોઈપણ વસ્તુની કોઈ મર્યાદા હોય છે અને એક સમય એવો આવ્યો કે આના પર રોક લગાવી, જેમાં સરકાર એટલે કે બોર્ડ અને શિક્ષકોએ સાથે મળીને પરીક્ષા શુદ્ધિ અભિયાનમાં જોડાયા, ઘણો બદલાવ આવ્યો પછી તો હવે CC TV કેમેરા આવ્યા એટલે સૌ સતર્ક થયા, મહદ્ અંશે પરીક્ષામાં ચોરીઓ અટકી ખરી પણ તેના વિકલ્પો શોધીને કેટલાક માણસો ચોરીને પધ્ધતિ બદલી. આવું થવાને કારણે શાળાના પરિણામો ઘટવા લાગ્યા. કેટલીક શાળાઓના પરિણામો તો 30 ટકાથી ઓછા આવ્યા, ગ્રાન્ટના પ્રશ્નો ઉભા થયા, કેટલાક શિક્ષકો વર્ગ ઘટવાને કારણે ફાજલ પડ્યા, શિક્ષણમાં જાણે ભૂકંપ આવ્યો,
એક બાજુ વધુ વિદ્યાર્થીઓ નાપાસ થયા તો બીજી તરફ શિક્ષકો ફાજલ પડ્યા, લોકોએ સરકારની ટીકા કરવા લાગ્યા કે શિક્ષણનું ગુણવત્તાનું સ્તર ઘટી રહ્યું છે, સરકારે ખાનગી શાળાઓ ખોલવાની નીતિ અપનાવી જેમાં અસંખ્ય શાળાઓ ખુલી ગઈ, એક વ્યવસાયનારૂપ જન્મ લીધો, બિલ્ડરો શિક્ષણમાં જોડાયા, રાજકીય લોકો પણ ભાગીદાર બનીને ખાનગી શાળાઓ કોલેજ ખોલવાની મંજૂરી આપી દીધી. બી. એડ અને પી. ટી. સી કોલેજો નો રાફડો ફાટી નીકળ્યો ગમે ત્યાં અને ગમે તેવી વ્યવસ્થા હોય પણ શાળા કોલેજની મંજુરી આપી દીધી જેના કારણે વિદ્યાર્થીની સંખ્યા ન મળવાને કારણે શિક્ષણમાં અતિશય ભ્રષ્ટાચાર સામે આવ્યો કોલેજમાં ના જાવ તો પણ ચાલે ફી આપી દો એટલે બધું થઈ જાય, એક નબળી પેઢીઓ ઉભી કરવામાં આવી, સરકાર આમાં કોઈ નિયંત્રણ લાવી ન શકી, ખાનગી શાળા કોલેજો મનમાની ફી ભેગી કરવા લાગ્યા, સરકાર આ બાબતે FRC લાવી તેમાં પણ કોઈ અંકુશ આવ્યો લાગતો નથી, ચાલે છે, વાલીઓ ફરિયાદ કરે છે પણ કોણ સાંભળે, સંચાલકો આર્થિક મજબૂત બન્યા, સરકાર પર પ્રભાવ અને દબાણ લાવીને તેમનું ધાર્યું ચાલે છે
આજે અસંખ્ય ખાનગી શાળા કોલેજો અને યુનિવર્સિટીઓ ઉભી થઈ ગઈ છે. બીજી બાજુ ગ્રાન્ટેડ શાળાઓમાં વિદ્યાર્થીઓની સંખ્યા ઘટવા લાગી, સરકારનું ગ્રાન્ટેડ શાળા અને કોલેજ પ્રત્યે ઓરમાયું વર્તન દાખવવામાં આવ્યું અને સંચાલક મંડળની સત્તાઓ લઈ લીધી એટલે મંડળો નિષ્ક્રિય બની ગયા, ગ્રાન્ટ કાપ, ભરતીમાં અનિયમિતતા આવા અનેક પ્રશ્નો ઉભા થયા જેના કારણે વાલીઓ મજબૂરીમાં તેમના સંતાનોને ખાનગી શાળા અને કોલેજમાં ફી ભરીને મોકલવા લાગ્યા. સમાજમાં બે વર્ગ ઉભા થયા આર્થિક સાધન સંપન્ન વાલીઓ ખાનગી શાળાઓમાં અને કોલેજમાં પ્રવેશ મેળવ્યો જ્યાં AC વર્ગખંડમાં અભ્યાસ કરવા લાગ્યા અને તેની આડમાં મોટી ફી વસુલવા લાગ્યા.
ખાનગી શાળાઓમાં અને કોલેજમાં લાયકાત ધરાવતા ન હોય તેવા શિક્ષકોને ખૂબજ ઓછા પગારમાં રોકીને શિક્ષણ કરાવવા લાગ્યા પણ પરિણામ ધાર્યું મળ્યું નહીં. જરૂર કરતાં વધુ શાળા કોલેજો ખુલી એટલે વિદ્યાર્થીઓની તૂટ પડી કેટલીક શાળા કોલેજો બંધ થવાની આરે આવીને ઊભી રહી, શાળા સંચાલકો વિદ્યાર્થીઓને આકર્ષવા માટે સ્કીમ લાવ્યા, એક હરીફાઈ ચાલી. એક ધંધો બની ગયો.
એકબાજુ બોર્ડનું પરિણામ ઓછું આવ્યું એટલે કોલેજમાં સંખ્યા ન મળવાને કારણે કોલેજ બંધ થવા લાગી 12 સાયન્સનું પરિણામ ઘટતાં ઈજનેર કોલેજ બંધ થઈ, PTC અને બી. એડ કોલેજ બંધ થઈ એટલે સરકાર પર દબાણ કર્યું કે શિક્ષણની ગુણવત્તા ઘટી છે, રાજકીય માણસોની શાળા કોલેજ બંધ થવા લાગી એટલે સરકારશ્રીએ પરીક્ષા પદ્ધતિમાં ફેરફાર કરવામાં આવ્યો 80.. 20 શાળામાં 20 માંથી ગુણ આપવા એનો અર્થ એ કે કોઈ પણ રીતે વિધાર્થીઓ પાસ થાય છે, 35 ને બદલે 33 માર્કસ સાથે પાસ બધું ચાલ્યું અભ્યાસક્રમમાં ફેરફાર શિક્ષણમાં ઉદારીકરણ આવ્યું. શિક્ષકોએ પણ ઉદાર નીતિ અપનાવી.
અંગ્રેજી માધ્યમના વિદ્યાર્થીઓની ઉત્તરવહી ગુજરાતી માધ્યમના શિક્ષકો દ્વારા મૂલ્યાંકન કરવામાં આવ્યું.... અંગ્રેજી માધ્યમમાં ભણતા વિધાર્થીઓનું પરિણામ ખૂબજ ઊંચું આવ્યું છે એ સમજી શકાય છે.... આ વર્ષે તો અધધધ પરિણામ કહી શકાય... કોઈ પણ વાલી પુનઃ મૂલ્યાંકન કરવાની હિંમત ના કરે કારણકે વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકોની અપેક્ષા કરતાં અકલ્પનીય પરિણામ આવ્યું છે, બીજા દિવસે વર્તમાનપત્રો માં Our Stars હેડિંગ નીચે શાળાનું પરિણામ અને વિદ્યાર્થીઓના ફોટા જોવા મળ્યા, ખુશી થઈ જે વિદ્યાર્થીઓએ ખરેખર મહેનતને ટકાવારી મેળવી છે તેમને અભિનંદનને પાત્ર છે પણ...
ચાલુ વર્ષે બોર્ડનું પરિણામ જોઈને એવું લાગે છે કે પરીક્ષામાં ના બેઠો હોય તે વિદ્યાર્થી નાપાસ થયો છે બાકી બધા નીકળી ગયા. કોલેજ સંચાલકો ખૂબજ ખુશ છે સંખ્યા મળી રહેશે, ધંધો ચાલશે. ભાઈ કોઈ વાહન ચલાવવા માટે લાયસન્સ જરૂર પડે છે, મેડિકલ સ્ટોર માટે ફાર્મસીની ડિગ્રી જરૂર પડે છે તો શું શાળા કોલેજ ખોલવા માટે કોઈ સંચાલક મંડળ પાસે લાયકાત જરૂર નથી......?
તમને આ પણ ગમશે:


તમને આ પણ ગમશે:



