સમાચાર સારાંશ: માતૃભાષા અભિયાન અંતર્ગત “ગોઠડી-૩૨”માં શ્રી ઉદય વોરા, નિવૃત્ત વન સંરક્ષક અધિકારી (CCF-IFS) અને ગુજરાતના જાણીતા પક્ષી નિષ્ણાત - પક્ષી નિરીક્ષણ : કયા, કયારે, કેવી રીતે? વિષય ઉપર વાત કરી જેમાં શ્રોતાઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.
માતૃભાષા અભિયાન અંતર્ગત “ગોઠડી-૩૨”માં શ્રી ઉદય વોરા, નિવૃત્ત વન સંરક્ષક અધિકારી (CCF-IFS) અને ગુજરાતના જાણીતા પક્ષી નિષ્ણાત - પક્ષી નિરીક્ષણ : કયા, કયારે, કેવી રીતે? વિષય ઉપર વાત કરી અને પોતાના અનુભવ શ્રોતાઓ સમક્ષ રજૂ કર્યા. આ વિષય વિદ્યાર્થીઓને, વન્ય જીવો સાથે કામ કરનાર, વન્ય જીવોની ફોટોગ્રાફી કરનાર, વન્યજીવોની સેવા કરનાર એન.જી.ઓ. વગેરેને ખૂબ જ ઉપયોગી થયો.
વક્તા દ્વારા પક્ષીનિરીક્ષણ એટલે શું?, પક્ષીનિરીક્ષણ શા માટે?, પક્ષીઓનું મહત્વ, પક્ષીઓની ગુજરાતમાં પ્રજાતી ૬૦૦+, ભારતમાં પ્રજાતી ૧૩૦૦+ અને વિશ્વમાં પ્રજાતી ૯૦૦૦+, પક્ષીનિરીક્ષણ માટે શું જોઈએ?, પક્ષીનિરીક્ષણ માટે કયા જવું?, પક્ષીનિરીક્ષણ માટે કઇ ઋતુ સારી?, પક્ષીનિરીક્ષણ માટે કયો સમય સારો?, પક્ષી કેવી રીતે જોવા..? સારા પક્ષીનિરીક્ષક કેવી રીતે થવું ? પક્ષી નિરીક્ષણ કરતી વખતે પક્ષીમાં શેની શેની નોંધ લેવી ?તેના નિયમો વગેરે મુદ્દાઓ જાત અનુભવની વાત દ્વારા સમજાવ્યા હતા. લગભગ બે કલાક ચાલેલી આ ગૂઠાડીમાં શ્રોતાઓ મોટી સંખ્યામાં હાજર હતા, તેમજ તેમણે પ્રશ્નોત્તરી દ્વારા વિષયની સારી માહિતી મેળવી હતી.
માતૃભાષા અભિયાન વતી ઋષિભાઈએ ગોઠડીમાં વક્તા અને શ્રોતાને આવકાર્યા, રીટાયર આઈ. એફ. એસ. ઓફિસર અને ઉદય વોરના સહકર્મી યુ. આર. પંડયા એ તેઓનો વ્યક્તિ પરીચય આપ્યો. અંતમાં, માતૃભાષા અભિયાન તરફથી પારૂલબેન શર્માએ વક્તા તથા સહયોગી સંસ્થાઓનો આભાર માન્યો હતો.
વન સંરક્ષક અધિકારી તરીકે નિવૃત્ત શ્રી ઉદય વોરા, ગુજરાત વન વિભાગમાં વન અધિકારીઓ તેમજ રાજ્યના વન્યજીવ પ્રેમીઓ વચ્ચે ખૂબ જ જાણીતું નામ છે. તેઓ લગભગ તમામ પક્ષીઓને જોઈને ઓળખી શકે છે કારણ કે તેઓએ પર્યાવરણ વચ્ચે પક્ષીઓનો અભ્યાસ કરવામાં ઘણો સમય વિતાવ્યો છે. વન્ય જીવોના વિષયમાં તેઓના નામે ૧૫ થી વધુ સંશોધન પેપર્સ છે, જેમાં ગુજરાતના વિવિધ સુરક્ષિત ક્ષેત્રોના વ્યવસ્થાપન યોજનાઓમાં તેઓની ભાગીદારીનો સમાવેશ થાય છે.
૧૯૭૯માં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી એમ.એસ. સી. વનસ્પતિ વિજ્ઞાન પૂર્ણ કર્યા પછી, તેઓએ ત્રણ વર્ષ સુધી સર પી. પી. વિજ્ઞાન સંસ્થાન, ભાવનગરમાં ફિલ્ડ કલેકટર તરીકે કામ કર્યું છે. ૧૯૮૨માં, તેઓ ગુજરાત વન વિભાગમાં એ.સી.એફ. તરીકે જોડાયા અને ૧૯૮૪માં સ્ટેટ ફોરેસ્ટ કોલેજ, દેહરાદૂનમાંથી "ડિપ્લોમા ઇન ફોરેસ્ટ્રી" મેળવ્યું છે. તેઓએ "વન્યજીવ વ્યવસ્થાપન"ના વિષયમાં ભારતની વાઇલ્ડ લાઈફ ઇન્સ્ટિટ્યૂટ, દેહરાદૂન (૧૯૮૬)માંથી ડિપ્લોમા કરેલું છે. ઉપરાંત "પ્રાકૃતિક સંસાધન વ્યવસ્થાપન" વિષયમાં તેઓને એમ. ફિલ. આઈ.આઈ.એફ.એમ. ભોપાલ (૧૯૯૫) દ્વારા આપવામાં આવેલ છે. ભારતની વન્યજીવ સંસ્થા દેહરાદૂનમાં ડિપ્લોમા કોર્સ દરમિયાન તેઓને “શ્રેષ્ઠ વ્યવસ્થાપન યોજના” લખવા માટે મેડલ આપવામાં આવ્યો હતો અને તેઓનું “શ્રેષ્ઠ વન્યજીવ પ્રેમી” તરીકે સન્માન કરવામાં આવ્યું હતું. વર્ષ ૧૯૯૮માં તેઓનું નામ ભારતીય વન સેવામાં નામાંકિત કરવામાં આવ્યું હતું.
શ્રી ઉદય વોરાએ ૧૯૮૪માં કચ્છના નાના રણમાં ફ્લેમિંગોના વસવાટનો પ્રથમ વખત અહેવાલ બનાવ્યો હતો. ઉપરાંત MoEf એ “વેટલેન્ડ ઓફ નેશનલ ઇમ્પોટન્સ” અને “રામસર સ્થળ” તરીકે નળ સરોવરની જે જાહેરાત કરી તેની મુખ્ય ભૂમિકામાં પણ સામેલ હતા. ૧૯૯૨માં પ્રથમ વાર જોડાયા પછી, તેઓ 1992 મા પ્રથમ વારની નળસરોવર ની પક્ષી ગણતરીથી લઈ, 2022 સુધીની તમામ ગણતરીઓમાં તેઓ ટેક્નિકલ કોઓર્ડીનેટર હતા અને સુચારુ તેમજ વૈજ્ઞાનિક ઢબે વસ્તી અંદાજ ની કામગીરી સંભાળી હતી. તેઓની ૨૦૧૮ થી ૨૦૨૧ સુધી ભારત સરકારના MOEFCC દ્વારા બનાવવામાં આવેલ નેશનલ વેટલેન્ડ કમિટીમાં પર્યાવરણ નિષ્ણાત તરીકે નિમણૂક કરવામાં આવ્યા છે. ઉપરાંત તેઓ ગુજરાતના વન્ય જીવોની ગણતરી સાથે સક્રિય રીતે જોડાયેલા રહ્યા છે.
શ્રી ઉદય વોરા હંમેશાં વન્ય જીવ સંબંધિત અભ્યાસ અને સંશોધન કરનાર વ્યક્તિઓને પ્રોત્સાહન આપે છે અને મદદરૂપ પણ થાય છે. તેઓ છેલ્લા ૨૫ વર્ષોથી ભારતના યૂથ હોસ્ટેલ્સ એસોસિએશન સાથે જોડાયેલ છે અને યુવાનોને કુદરત સાથે જોડાવા તેઓ ગુજરાત રાજ્ય તેમજ હિમાલયમાં વિવિધ ટ્રેકિંગ કાર્યક્રમોનું આયોજન પણ કરે છે.
તમને આ પણ ગમશે:


તમને આ પણ ગમશે:



