સમાચાર સારાંશ: અમદાવાદના સેટેલાઇટ સ્થિત 'સદવિચાર પરિવાર' ખાતે ૪ ઓક્ટોબર ૨૦૨૬ના રોજ 'પ્રાકૃતિક-હાટ' ચેપ્ટર ૨ નો ભવ્ય શુભારંભ કરવામાં આવ્યો હતો, જેનું આયોજન પ્રાકૃતિક વર્લ્ડ, ટીમ મિત્રા અને વી ધ યુવા દ્વારા કરવામાં આવ્યું છે. ડૉ. હિરેનભાઈ શાહ અને એડવોકેટ પ્રતિક્ષાબેન લેહરીના હસ્તે દીપ પ્રાગટ્ય દ્વારા શરૂ થયેલા આ કાર્યક્રમમાં કેમિકલ મુક્ત ખોરાક અને ટકાઉ જીવનશૈલી અપનાવવા પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો. આ 'ફાર્મર-ફર્સ્ટ' અભિગમ હેઠળ ખેડૂતો પાસેથી શૂન્ય કમિશન અને શૂન્ય વેરિફિકેશન ફી લેવામાં આવે છે, જેથી ખેડૂતોને તેમની મહેનતનું પૂરૂંળતર મળે અને ગ્રાહકોને શુદ્ધ તથા તાજા ઉત્પાદનો મળી રહે. આ હાટ દર રવિવારે સવારે ૭ થી ૧૦ વાગ્યા દરમિયાન સદવિચાર પરિવાર (સેટેલાઇટ) અને તુલસી ગીર ગૌશાળા (શેલા) ખાતે યોજાય છે, જે ખેડૂતો અને નાગરિકો વચ્ચે સીધો સેતુ બાંધે છે.
અમદાવાદમાં ઓર્ગેનિક અને ટકાઉ જીવનશૈલી (સસ્ટેનેબલ લિવિંગ) તરફની ચળવળમાં એક સીમાચિહ્નરૂપ ઘટના ઉમેરાઈ છે, જ્યાં 'પ્રાકૃતિક-હાટ' (Prakrutik-Haat) ના બીજા ચેપ્ટરનો ભવ્ય શુભારંભ કરવામાં આવ્યો છે. ૪ ઓક્ટોબર, ૨૦૨૬ના રોજ સવારે ૮:૦૦ વાગ્યે સેટેલાઇટ સ્થિત 'સદવિચાર પરિવાર' ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં સ્વાસ્થ્ય અને પર્યાવરણ પ્રત્યે જાગૃત 40 જેટલા ઉત્સાહી નાગરિકો જોડાયા હતા. આ પ્રાકૃતિક-હાટની અનોખી પહેલ ફાઉન્ડર સંસ્થાઓ પ્રાકૃતિક વર્લ્ડ (PrakrutikWorld) ટીમ મિત્રા (Team Mitraa) અને વી ધ યુવા (WeTheYuva) દ્વારા આયોજિત કરવામાં આવે છે.
આ કાર્યક્રમનું ઉદ્ઘાટન બે પ્રતિષ્ઠિત મુખ્ય મહેમાનો; બાળરોગ નિષ્ણાત અને હાઉસયમના સ્થાપક ડૉ. હિરેનભાઈ શાહ તથા સદ્વિચાર પરિવારના ટ્રસ્ટી અને હાઇકોર્ટના એડવોકેટ પ્રતિક્ષાબેન લેહરીના હસ્તે દીપ પ્રાગટ્ય દ્વારા કરવામાં આવ્યું હતું. નિવૃત્ત IAS અધિકારી શ્રી પ્રવીણ કે. લેહરી અને ગુજરાત કેન્સર સોસાયટીના ડિરેક્ટર ડૉ. કીર્તિભાઈ પટેલ ક્રમશઃ સ્વાસ્થ્ય અને અંગત કારણોસર ઉપસ્થિત રહી શક્યા નહોતા, પરંતુ તેમના હાર્દિક આશીર્વાદથી આ કાર્યક્રમ સફળ રહ્યો હતો.
ઉપસ્થિત જનમેદનીને સંબોધતા ડૉ. હિરેન શાહએ જણાવ્યું હતું કે કેવી રીતે જૂના સમયમાં 'હાટ' (બજાર) એક જીવંત સામાજિક કેન્દ્ર તરીકે કાર્ય કરતા હતા. તેમણે પ્રાકૃતિક-હાટમાં ગ્રાહકો અને ખેડૂતોને રૂબરૂ મળતા, વાર્તાલાપ કરતા અને જીવંત ચર્ચાઓ કરતા જોઈને ખુશી વ્યક્ત કરી હતી કે અત્યારે આ પ્રાકૃતિક-હાટ પણ આ જ કામ કરી રહી છે, સાથે જ તેમણે ભારપૂર્વક જણાવ્યું કે કેમિકલ મુક્ત ખોરાકની પસંદગી કરવી એ કેન્સર જેવા ગંભીર રોગો સામે રક્ષણ મેળવવા માટેનું અત્યંત મહત્વપૂર્ણ પગલું છે. ત્યારબાદ પ્રતિક્ષાબેન લેહરીએ પોતાના પ્રેરણાદાયી ઉદબોધનમાં ખેડૂતોની અથાક મહેનત અને સમર્પણ ભાવને બિરદાવ્યા હતા, અને આપણા સુધી પૌષ્ટિક ખોરાક પહોંચાડવા માટે ખેડૂતો મહિનાઓ સુધી જે પરિશ્રમ કરે છે તેની કદર કરવા સૌને અનુરોધ કર્યો હતો.
પ્રાકૃતિક-હાટના સ્થાપકો તેજલ ડભી અને ઋષિ પંડયા એ ઉપસ્થિત લોકો સાથે વાર્તાલાપ કર્યો હતો અને સમજાવ્યું હતું કે કેવી રીતે 'પ્રાકૃતિક-હાટ' ખેડૂતો અને ગ્રાહકો વચ્ચેના અંતરને દૂર કરે છે. આ હાટનું મુખ્ય આકર્ષણ તેનો 'ખેડૂત-પ્રથમ' (ફાર્મર-ફર્સ્ટ) અભિગમ છે, જે ખેડૂતો પાસેથી શૂન્ય કમિશન અને શૂન્ય ફાર્મ-વેરિફિકેશન ફી વસૂલે છે. આનાથી મહેનતુ ખેડૂતોને ૧૦૦% ટેકો મળે છે અને ગ્રાહકોને સીધા ઘરઆંગણે અસલી, તાજા અને શુદ્ધ ઉત્પાદનો મળી રહે છે, આ બાબતની ખત્રી કરવા માટે ખેડૂતોનું વેરિફિકેશન કરવામાં આવે છે અને પછી જ તેઓ પ્રાકૃતિક-હાટમાં વેચાણ કરવા આવે છે. આ સ્થાનિક ભાવનાને જાળવી રાખતા, મુખ્ય મહેમાનોને ભેટમાં આપવામાં આવેલી ગિફ્ટ હેમ્પર્સ પણ ફક્ત સહભાગી ખેડૂતો દ્વારા પૂરા પાડવામાં આવેલા ઉત્પાદનોમાંથી જ તૈયાર કરવામાં આવી હતી.
કાર્યક્રમના અંતે વિજયભાઈ ભારતીય દ્વારા આભારવિધિ કરવામાં આવી હતી, જેમાં તેમણે સૌને સ્થાનિક ખેડૂતો પાસેથી સીધી ખરીદી કરી કૃષિ ક્ષેત્રને પ્રોત્સાહન આપવા અપીલ કરી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ભાવના દ્વારા ઉત્સાહપૂર્વક કરવામાં આવ્યું હતું. આ યાદગાર પ્રસંગની પૂર્ણાહુતિ રૂપે સદ્વિચાર પરિવાર તરફથી મુખ્ય મહેમાન અને પ્રાકૃતિક-હાટ આયોજક ટીમને પ્રેરણાદાયી અને જ્ઞાનવર્ધક પુસ્તકો ભેટ સ્વરૂપે આપવામાં આવ્યા હતા.
ઉપયોગી માહિતી: 'પ્રાકૃતિક-હાટ' એ કેમિકલ મુક્ત ખેતી, ટકાઉ કૃષિ અને ખેડૂતો સાથે સીધો વ્યાપાર કરવા માટે સમર્પિત એક સામાજિક પહેલ છે. આ હાટ દર રવિવારે સવારે ૭ થી ૧૦ વાગ્યા દરમિયાન સદ્વિચાર પરિવાર (સેટેલાઇટ) અને તુલસી ગીર ગૌશાળા (શેલા), અમદાવાદ ખાતે યોજાય છે, જે ખેડૂતોને યોગ્ય ભાવ અને સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત ગ્રાહકોને શુદ્ધ કુદરતી ઉત્પાદનો પૂરા પાડે છે. આ બંને પ્રાકૃતિક-હાટમાં ફકત વેરિફાઇડ ખેડૂતો આવે છે.
તમને આ પણ ગમશે:


તમને આ પણ ગમશે:



