ઉશ્કેરાયેલા ટોળાએ ઈવીએમને તળાવમાં ફેંકી દીધા
પશ્ચિમ બંગાળની 9 બેઠકો પર મતદાન
ટીએમસી સમર્થકો દ્વારા મતદારોને ધમકી
લોકસભા ચૂંટણીના સાતમા તબક્કાનું મતદાન ચાલી રહ્યું છે. આ દરમિયાન પશ્ચિમ બંગાળમાંથી બબાલ થયાના સમાચાર આવી રહ્યા છે. મળતી માહિતી મુજબ, દક્ષિણ 24 પરગણામાં ગુસ્સે ભરાયેલા ટોળાએ EVM અને VVPAT મશીનોને પાણીમાં ફેંકી દીધા છે. છેલ્લા તબક્કામાં પશ્ચિમ બંગાળની 9 બેઠકો પર મતદાન થઈ રહ્યું છે.પશ્ચિમ બંગાળના દક્ષિણ 24 પરગણાના કુલતાઈમાં બૂથ નંબર 40, 41 પર ભીડે EVM અને VVPAT મશીનોને તળાવમાં ફેંકી દીધા હતા.
સ્થાનિક લોકો પાસેથી મળેલી માહિતી મુજબ, ટીએમસી સમર્થકો દ્વારા મતદારોને કથિત રીતે ધમકી આપવામાં આવી હતી, જેના કારણે ભીડ ઉશ્કેરાઈ ગઈ હતી અને ઈવીએમને તળાવમાં ફેંકી દીધા હતા.
આ વખતે પશ્ચિમ બંગાળે મતદાનની બાબતમાં ખૂબ સારું પ્રદર્શન કર્યું છે. જોકે, પહેલા તબક્કાથી પશ્ચિમ બંગાળમાંથી હિંસાના અહેવાલો આવી રહ્યા છે. પ્રથમ તબક્કાના મતદાનના દિવસે જ તૃણમૂલ કોંગ્રેસે દાવો કર્યો હતો કે અલીપુરદ્વાર તુફનગંજ-2 બ્લોકમાં બારોકોદલી-1 ગ્રામ પંચાયતના હરિરહાટ વિસ્તારમાં TMCની અસ્થાયી પાર્ટી કાર્યાલયને બીજેપી સમર્થકોએ આગ લગાવી દીધી હતી.
છેલ્લા તબક્કામાં ઉત્તર પ્રદેશની વારાણસી લોકસભા બેઠક આ ચૂંટણીની સૌથી ચર્ચિત બેઠક છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્રીજી વખત અહીંથી ભાજપના ઉમેદવાર છે. કોંગ્રેસે ફરી એકવાર પોતાના પ્રદેશ અધ્યક્ષ અજય રાયને ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે. જ્યારે બસપાએ અતહર જમાલ લારીને પોતાનો ચહેરો બનાવ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 2019ની લોકસભા ચૂંટણી ભાજપ તરફથી લડી હતી. તેમની સામે કોંગ્રેસે અજય રાયને અને સપાએ શાલિની યાદવને મેદાનમાં ઉતાર્યા હતા. પરિણામો ભાજપની તરફેણમાં આવ્યા અને અહીં વડાપ્રધાને સપાના શાલિની યાદવને 4,79,505 મતોના જંગી માર્જિનથી હરાવ્યા. નરેન્દ્ર મોદીને 6,74,664 વોટ મળ્યા હતા. સપાના ઉમેદવાર શાલિનીને 1,95,159 વોટ અને કોંગ્રેસના અજય રાયને 1,52,548 વોટ મળ્યા હત. ગત ચૂંટણીમાં વારાણસીમાં કુલ 57.13 ટકા લોકોએ મતદાન કર્યું હતું.