સમાચાર સારાંશ: અમદાવાદ અને તેની આસપાસના વિસ્તારોમાં સામાન્ય રીતે વાદળછાયું આકાશ રહેવાની ખૂબ શક્યતા છે. શહેરમાં મહત્તમ તાપમાન 41 ડિગ્રી સેલ્સિયસની આસપાસ નોંધાઈ શકે છે
ગુજરાતમાં ચોમાસાનું સત્તાવાર આગમન પણ અમદાવાદમાં મહત્તમ તાપમાન 40.5 ડિગ્રી નોંધાયું
ગુજરાતમાં ચોમાસાનું સત્તાવાર આગામન થઈ ગયું છે. અમદાવાદમાં પણ વરસાદી ઝાપટાં પડી ચુક્યા છે. તેમ છતાં આ વર્ષે અમદાવાદમાંથી ઉનાળો વિદાયનું નામ નથી લઈ રહ્યો. માર્ચ મહિનાથી અત્યાર સુધીના છેલ્લા 76 દિવસમાંથી 71 દિવસ તાપમાન 40 ડિગ્રીથી વધુ નોંધાયું હતું. ગુરુવારે અમદાવાદમાં મહત્તમ તાપમાન 40.5 ડિગ્રી નોંધાયું હતું, જે સમગ્ર ગુજરાતમાં સૌથી વધુ અને સામાન્ય કરતાં 3.7 ડિગ્રી વધારે હતું. ચોમાસું આવી ગયું હોવા છતાં અમદાવાદવાસીઓ હજુ પણ કાળઝાળ ગરમી અને વધતા જતા ભેજવાળા વાતાવરણમાંથી મોટી રાહત મળવાની રાહ જોઈ રહ્યા છે.
જૂન મહિનાના પ્રથમ 25 દિવસોમાંથી 23 દિવસ મહત્તમ તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસ કે તેથી વધુ નોંધાયું હતું. વરસાદના કારણે માત્ર 2 જૂન અને 18 જૂને 40 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. આ બંને દિવસે અનુક્રમે 37 ડિગ્રી સેલ્સિયસ અને 39.3 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું.
હવામાન વિભાગના ડેટાના વિશ્લેષણ મુજબ, 11 એપ્રિલથી 4 જૂન વચ્ચે અમદાવાદમાં 56 માંથી 53 દિવસ તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસથી વધુ નોંધાયું હતું. ત્યારબાદના અન્ય 20 દિવસો ઉમેરતાં, છેલ્લા 76 દિવસોમાંથી 71 દિવસ તાપમાનનો પારો 40 ડિગ્રીથી વધુ નોંધાો હતો.
સૂત્રોએ જણાવ્યું કે, શહેરમાં આ વર્ષે અતિશય ગરમીની શરૂઆત અસામાન્ય રીતે વહેલી થઈ ગઈ હતી. ઓટોમેટિક વેધર સ્ટેશનોના રીડિંગના આધારે, અમદાવાદમાં માર્ચના પ્રથમ અઠવાડિયામાં જ તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસને પાર થઈ ગયું હતું, જે 2016 પછીના મોટાભાગના વર્ષોમાં માર્ચના અંત સુધીમાં જોવા મળતી સામાન્ય શરૂઆત કરતાં ઘણું વહેલું હતું.
છેલ્લા એક દાયકાના તાપમાન અને વેટ બલ્બ ગ્લોબ ટેમ્પરેચર ના પ્રવાહોના વિશ્લેષણ મુજબ, ફેબ્રુઆરી દરમિયાન તાપમાન 30 ડિગ્રી સેલ્સિયસનીઆસપાસ હતું. જે માર્ચની શરૂઆતમાં ઝડપથી વધીને 35 ડિગ્રી સેલ્સિયસ થઈ ગયું હતું, અને તેના થોડા સમય પછી જ 40 ડિગ્રી સેલ્સિયને વટાવી ગયું હતું. સૂત્રોએ જણાવ્યું કે, ગરમી, ભેજ અને ગરમ રાત્રિઓની સંયુક્ત અસર જાહેર આરોગ્ય માટે મોટો પડકાર ઉભો કરે છે.
સૂત્રોના કહેવા મુજબ, આ માત્ર ઊંચા તાપમાનની જ સમસ્યા નથી. વધુ પડતા ભેજવાળી સ્થિતિ છૂટીછવાઈ અતિશય ગરમીની ઘટનાઓ કરતાં પણ વધુ જીવલેણ સાબિત થાય છે. આ ઉપરાંત, રાત્રિના સમયે વાતાવરણ ઠંડુ ન થવાને કારણે શરીરને થાકમાંથી બહાર આવવાનો મોકો મળતો નથી અને ઊંઘમાં ખલેલ પહોંચે છે, જે આખરે શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય બંનેને અસર કરે છે.
હવામાન વિભાગ મુજબ, તારીખ 26 જૂનના રોજ અમદાવાદ અને તેની આસપાસના વિસ્તારોમાં સામાન્ય રીતે વાદળછાયું આકાશ રહેવાની ખૂબ શક્યતા છે. શહેરમાં મહત્તમ તાપમાન 41 ડિગ્રી સેલ્સિયસની આસપાસ નોંધાઈ શકે છે.
તમને આ પણ ગમશે:


તમને આ પણ ગમશે:



